ગંભીર@અમદાવાદ: ફુડ સેફ્ટીના લાયસન્સમાં સોદાબાજી, લાંચિયો બન્યો જોઈન્ટ ડાયરેક્ટર, એસીબીએ ઝડપ્યો

 
Lanch case
લાયસન્સ આપવા 25 હજારની લાંચની માંગણી થઈ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એસીબીએ જોરદાર સપાટો પાડી લાંચિયાઓને ઝડપી લેવા કવાયત તેજ કરી છે. હજુ હમણાં જ પાલનપુર સ્થિત સ્ટેમ્પ ડ્યુટીના મહિલા નાયબ કલેક્ટર 3 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા ત્યારે આજે કેન્દ્રનો જોઈન્ટ ડાયરેક્ટર લાયસન્સની સોદાબાજી કરતાં પકડાઈ ગયો છે. કન્સલ્ટિંગનુ કામ કરતાં એક વ્યક્તિને ફુડ સેફ્ટીના લાયસન્સમાં કોઈ ભૂલ નહિ કાઢવા અને તુરંત લાયસન્સ આપવા 25 હજારની લાંચની માંગણી થઈ હતી. જોકે જાગૃત નાગરિકની ફરિયાદને પગલે અમદાવાદ શહેરના એસીબી પીઆઇએ અચાનક ઓફિસમાં જઈને આરોપી લાંચિયાને પકડી લીધો છે. જાણો સમગ્ર અહેવાલ.


ખાદ્ય બાબતના વ્યવસાય સંબંધે સરકારના પરમિશન માટેની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયાની ઓફીસ અમદાવાદ શહેરના સી.જી.રોડ પર આવેલી છે. આ કામે હકીકત એવી છે કે આ કામના ફરીયાદી કન્સલટન્સીનું કામ કરતા હોવાથી પોતાના ક્લાયન્ટનુ ફુડ સેફ્ટી લાયસન્સ મેળવવા માટે જાન્યુઆરી માસમાં ઓનલાઇન અરજી કરી હતી. જેમાં આ ઓફિસના રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયા, હોદ્દો- જોઇન્ટ ડાયરેકટર, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયાનાએ લાયસન્સની અરજીમાં અલગ-અલગ ક્વેરી કાઢી હતી. જે બાબતે આ કામના ફરીયાદી અધિકારીને રૂબરૂ મળતાં ક્વેરી નહી કાઢી સીધું ફુડ સેફ્ટી લાયસન્સ મંજુર કરવા હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. 

આ તરફ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન અમદાવાદ શહેર એસીબીની ટીમે કર્યું હતુ. આ દરમ્યાન અધિકારીની ઓફિસ નજીક એસીબી પોલીસ પહોંચી ત્યારે ફુડ સેફ્ટીના જોઈન્ટ ડાયરેક્ટર રાજેન્દ્ર મહાવદીયાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૨૫,૦૦૦/- સ્વીકારી લીધી હતી. બરોબર આ સમયે મહિલા એસીબી પીઆઇ સહિતની ટીમે આરોપીને ઝડપી લીધો હતો.