ગંભીર@અમદાવાદ: નોલેજ કન્સોર્ટિયમે ટેન્ડર વગર 89લાખનો કોન્ટ્રાક્ટ આપી દીધો, એજન્સીને લ્હાણી કે વેપાર?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત એ રાજ્યભરની કોલેજમાં ભૌતિક સુવિધાઓ અને જ્ઞાનસંચારમાં મદદ માટે કામ કરતી સરકારી સંસ્થા છે. આ કેસીજીને જાણકારી હોવા છતાં બનાવટી, શંકાસ્પદ, પૂર્વ આયોજિત સેટિંગ્સવાળા ભાવ ઓફર/સ્પર્ધાને ચકાસ્યા વગર જ સવા ચાર કરોડથી વધુનો વર્ક ઓર્ડર આપ્યો હતો. જેમા કે.ડી સર્વિસ નામે એજન્સીએ ટેન્ડર પૂર્વે સનરિયાન ઈન્ટરનેશનલ પ્રા.લી સાથે ટેન્ડર ભરવા અને મદદગારી કરવા ગોઠવણ પાડી હતી. આ પછી ગણતરીના દિવસોમાં જ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના અધિકારીઓએ વધુ રૂપિયા 89.49 લાખનો વર્ક ઓર્ડર કે.ડી સર્વિસને આપ્યો તેમાં ટેન્ડર કર્યું નહોતું. ટેન્ડર વગર વર્ક ઓર્ડર સામે ગમે તેવી દલીલ કરતાં કેસીજીના અધિકારીઓને શું બીજીવાર ટેન્ડર કરવાથી સરકારનુ નાણાંકીય નહોતું લાગતું? જાણીએ સમગ્ર અહેવાલ.
અમદાવાદ ખાતે આવેલ રાજ્ય શિક્ષણ વિભાગ હેઠળના ગુજરાત જ્ઞાનસંઘ એટલે કે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા જાણ્યેઅજાણ્યે થયેલા સવા ચાર કરોડના સેટિંગ્સવાળા ખરીદ વેપાર બાદ વધુ એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. કે.ડી સર્વિસ અને સનરિયાન ઈન્ટરનેશનલ પ્રા લિ વચ્ચે થયેલ કહેવાતી સ્પર્ધાનો ઘટસ્ફોટ થયો પરંતુ આ બનાવટી ભાવ સ્પર્ધા કેસીજીના અધિકારીઓના આશીર્વાદ વગર થઈ નથી. કેસીજીએ બીડ નં. GEM/2026/B/7191500નો વર્કઓર્ડર તા. 13/6/2026 ના રોજ કાઢ્યા બાદ કે.ડી સર્વિસ નામની એજન્સી માટે જૂના ટેન્ડરના બીડ નંબર ઉપરથી રૂપિયા 89,49,726 રકમનો વર્ક ઓર્ડર કાઢી આપ્યો હતો. નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના અધિકારીઓએ માત્ર 40-42 દિવસમાં વધુ આર.ઓ અને કુલરની જરૂરિયાત જણાઇ આવી કે પૂર્વ આયોજિત હતું? એપ્રિલ-મે 2026 પહેલાં કોલેજો માટે આર.ઓ અને કુલરની ખરીદી કરતાં ચોક્કસ સંખ્યાની સઘન ગણતરી કે માંગણી નક્કી કરવામાં કચાશ રહી હતી કે પછી ટેન્ડર વગર રૂ. 89.49 લાખનો વર્ક ઓર્ડર કરવાની ગોઠવણ હતી ? અહિં સૌથી મોટો સવાલ થાય કે, જો ખરીદી સમયે ઓછાં આર.ઓ અને કુલર લેવાતા હોઈ જો પાછળથી વધુ ખરીદવાના જ હતા તો ટેન્ડરથી કેમ નહિ? વાંચો નીચેના ફકરામાં
સૂત્રોએ જણાવ્યું હતું કે, નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના જે અધિકારીઓએ આ સવા ચાર કરોડના આર.ઓ અને કુલરની ખરીદીમાં ભૂમિકા ભજવી તેમણે એજન્સીઓ વચ્ચેના સેટિંગ્સમાં નિષ્કાળજી દાખવી છે અથવા તો સેટિંગ્સ/મિલીભગત સામે મૌન રહ્યા છે. કે.ડી સર્વિસ જેના સામે હરિફાઈમાં હતી તે એજન્સી હરિયાણાની અને કે.ડી સર્વિસે માત્ર ટેન્ડર કબ્જે કરવા તેનો ઉપયોગ કુલર ખરીદવાના પેટે કર્યો હતો. આટલુ જ નહિ, સનરિયાન ઈન્ટરનેશનલ પ્રા.લીના રિષીભાઇ ખુદ જણાવે છે કે, તેઓ પાન ઇન્ડિયા હેઠળ કામ કરતા હોઈ જો તેમની પાસેથી કુલર કે કોઈ વસ્તુ ખરીદો તો ટેન્ડરમા સાથ આપે છે. તો સવાલ થાય કે, સરેરાશ 5 કરોડની અધધધ....મોટી રકમની ખરીદી દરમ્યાન જ્ઞાનનો સાગર ગણાતી જ્ઞાનસંઘ સંસ્થાના અધિકારીઓએ મિલીભગતમાં સાથ આપ્યો કે બેદરકાર રહ્યા?

