ગંભીર@ભરૂચ: માય લિવેબલ નામ બડે દર્શન ખોટે, સ્વચ્છતા સૂત્રોની જગ્યાએ જશો તો મૂર્ખામી ભાળશો

 
Bharuch
ગંદા પાણી, કચરો, ભયંકર બદબૂ આ ગરમી વચ્ચે માથું ફાડી નાખે તેવી હદે પહોંચી છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


ભરૂચ કલેક્ટર તુષારભાઇના વડપણ હેઠળ શહેરને રહેવા લાયક સુંદર જાહેર કરવા એક થીમ તૈયાર કરવામાં આવી હતી. આ થીમ પહેલાં સ્થાનિક કંપનીઓ પાસેથી ખૂબ મોટી રકમ સીએસઆર હેઠળ ભેગી કરાઇ હતી. આ રકમ લાખો કરોડોમાં હોઈ ભરૂચને માય લિવેબલ ભરૂચ કરવા ઠેર ઠેર ભીંતચિત્રો અને સ્પેશ્યલ સ્વચ્છતા ટીમ ઉતારવામાં આવી હતી. હવે આ રકમનો કેટલી અને કેવી પારદર્શકતા રહી તે સવાલ છે પરંતુ આજે માય લિવેબલ ભરૂચ વાળી થીમ ચોંકાવનારા ખુલાસા કરે છે. કેમ કે જે જગ્યાએ ગંદકી વિરૂદ્ધના સૂત્રોચ્ચાર ભીંતો અને દિવાલો કરી રહી છે તેની જોડે જ ગંદકી માથું ઉંચકી ઉભી છે. આ ગંદકી જાણે કલેક્ટરના માય લિવેબલ ભરૂચની વિરૂદ્ધમાં શહેરીજનોની અવરજવર વચ્ચે માથું ફાડી નાખે તેવી બદબૂ ફેંકી રહી છે. શું માય લિવેબલ ભરૂચની થીમના ઓથા હેઠળ પારદર્શક વહીવટ થયો છે કે સત્તાના બળે એક અથવા અનેકના કામ થઈ ગયા છે તે જાણીએ.

ભરૂચ શહેર અને જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં છે ત્યારે સ્વચ્છતા ઉપર ખૂબ પ્રામાણિકતાથી કામ કરવાની પણ જરૂર છે. આ જરૂરને એક અલગ વિષય નામ આપી ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ બુધ્ધિ દોડાવી આયોજન કર્યું હતુ. જેમાં ભરૂચ આસપાસની અનેક કંપનીઓ પાસેથી સામાજિક જવાબદારીના નામે ખૂબ મોટી રકમ મેળવાઇ હતી. કેટલાક મહિના વર્ષ અગાઉ આવેલી આ મસમોટી રકમથી આખાય ભરૂચ શહેરમાં માય લિવેબલ ભરૂચના સૂત્રો રંગરોગાન કરવામાં આવ્યુ, સોશ્યલ મીડિયામાં ખૂબ પ્રચાર કરવામાં આવ્યો, મજૂરોની એક ટીમ પણ ઉતારવામાં આવી હતી. આ બધું શરૂઆતમાં રૂડું રૂપાળું લાગ્યું પરંતુ થોડા સમય બાદ માય લિવેબલ ભરૂચવાળા સૂત્રોની સામે જ ગંદકીએ માથું ઉંચકી લીધું. કસક ગરનાળા સહિતના અનેક સ્થળોએ સુંદર ભરૂચના ચિત્રો છે અને બાજુમાં જ ગંદા પાણી, કચરો, ભયંકર બદબૂ આ ગરમી વચ્ચે માથું ફાડી નાખે તેવી હદે પહોંચી છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ અથવા ભરૂચ નગરપાલિકાએ અલગ અલગ રીતે અથવા સંયુક્ત રીતે માય લિવેબલ ભરૂચ પાછળ સમય અને ખર્ચ કેટલો કર્યો તેના વિરુદ્ધ હવે ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. કેમ કે, સ્થાનિક જાગૃત નાગરિકોના મતે, સીએસઆર હેઠળ કલ્પના બહારની રકમ ભેગી થઈ હતી અને સામે સ્વચ્છતા પાછળ કેવું અને કેટલું કામ થયું એ આખાય ભરૂચ સામે છે. કેટલાક સમયથી અને આજેપણ ભરૂચ શહેરમાં અનેક સ્થળોએ જ્યાં સ્વચ્છતાના ચિત્રો દિવાલમાંથી ગુંજન કરી રહ્યા બરોબર ત્યાં જ ગંદકીનો ભયંકર નજારો ભાસી રહ્યો છે. આવી સ્થિતિમાં જો કોઈ બહારના જિલ્લામાંથી આવે કે, એનઆરઆઈ આવે તો શું મૂર્ખામીનુ પ્રદર્શન ના થાય ? ગાંધીનગર સચિવાલયથી અથવા કેન્દ્રમાંથી અધિકારી કે ટીમ આવે તો માય લિવેબલ ભરૂચની થીમ અને ગંદકી વચ્ચે કેવી અનુભૂતિ કરે ? રૂડાં રૂપાળાં ભીંતચિત્રો અને તેની પાસે જ અતિશય ગંદકી જોઈ હાસ્ય આવે, અમલીકરણવાળાના વહીવટ સામે સવાલો થાય, ધોળાં દિવસે થતો દેખાડો ઉઘાડો પડે તેવી નોબત છે. હકીકતમાં કલેક્ટર તુષાર સુમેરાએ સીએસઆર હેઠળ કેટલા નાણાં જમા લીધા અને કેટલા કેવીરીતે ખર્ચ કર્યા તે ભરૂચની જનતા વચ્ચે અને કંપનીઓના માટે પણ જાહેર કરવું પડે. જો પારદર્શક અને એકદમ સચોટ વહીવટ કર્યો હશે તો કંપનીઓ પણ પ્રોત્સાહિત થશે, બાકી આ દ્રશ્યો કદાચ કંપનીના માલિકો જોઈ જશે તો ભવિષ્યના સીએસઆર બાબતે શું વિચારશે ? હવે આગામી ન્યૂઝ રિપોર્ટમાં વધુ એક ઘટસ્ફોટ જાણીશું.