ગંભીર@દાહોદ: મનરેગા લોકપાલ સરકારનું અહિત થવા દે કે હિત? આ રીપોર્ટ વાંચી તમે સમજી જશો

 
દાહોદ
18 લાખથી વધુની રકમ ચૂકવી નાણાંકીય ગેરરીતિ આચરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


દાહોદ જિલ્લામાં મનરેગાની રજૂઆતો કે ફરિયાદો સાચી હોય અથવા ખોટી હોય પરંતુ હવે તો તપાસો પણ સાચી હોય અથવા ખોટી હોય તેવી સ્થિતિ આવી પડી છે. દેવગઢબારીયા તાલુકાના એક ગામમાં અગાઉ બહુચર્ચિત મનરેગા કૌભાંડની બે તપાસ થઈ પરંતુ બંનેમાં ભયંકર ફેરફાર આવ્યો. તમે આ સમાચાર વાંચી ઘડીભર ચોંકી જશો કે આવું કેવીરીતે બની શકે. મનરેગાના લોકપાલે તપાસ કરીને રીપોર્ટ આપ્યો કે, કોઈ ગેરરીતિ નથી. તાલુકા, જિલ્લા, ડીઆરડીએની તપાસમાં આવ્યું કે, ખૂબ ભ્રષ્ટાચાર થયો અને તુરંત 2 કર્મચારી સસ્પેન્ડ કરવા પડ્યા. હવે અહિં સવાલ થાય છે કે, શું મનરેગાના લોકપાલ નાયક સરકારનું અહિત થવા દે છે કે હિત તે સમજાતું નથી. ક્યારેય પણ લોકપાલ નાયકને મનરેગાની તપાસમાં ભ્રષ્ટાચાર મળતો નથી પછી ભલે ને બીજી કચેરીના સાહેબો ગેરરીતિ શોધી લે. વાંચો તમારા હિતનો અને કેવું થાય છે તે જણાવતો સ્પેશ્યલ રિપોર્ટ.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના લવારીયા ગામમાં અગાઉ મનરેગા ભ્રષ્ટાચારની બૂમરાણ મચી હતી. વિવિધ કચેરીઓમાં થયેલી રજૂઆતો બાદ મનરેગાના લોકપાલ નાયકે તપાસ શરૂ કરી અને આખરે જે તપાસ રીપોર્ટ રજૂ કર્યો તેમાં બધા જ કામો સ્થળ ઉપર હોવાનું લખી દીધું. આટલું જ નહિ, કોઈ જ ગેરરીતિ નથી તેવો રીપોર્ટ બનાવી દીધો. આ દરમ્યાન રજૂઆત છેક ગાંધીનગર સુધી ગઈ હતી એટલે દેવગઢબારિયા તાલુકા, જિલ્લા અને ડીઆરડીએ સહિતનાએ તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો હતો. મનરેગા લોકપાલ નાયકને ગેરરીતિ મળી નહિ પરંતુ બીજી તપાસ ટીમે રીપોર્ટ આપ્યો કે, 21 કામો સ્થળ ઉપર નથી અને 18 લાખથી વધુની રકમ ચૂકવી નાણાંકીય ગેરરીતિ આચરી છે. આ ભ્રષ્ટાચાર શોધી તંત્રએ તત્કાલીન ટેકનિકલ અને રોજગાર સેવકને સસ્પેન્ડ કરી દીધા હતા. હવે આટલો બધો ભયંકર ભ્રષ્ટાચાર સરકારે સાબિત કર્યો પરંતુ મનરેગા લોકપાલને ગેરરીતિ મળી નહિ કે પછી અન્ય કોઈ કારણ ? વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગાના લોકપાલની જવાબદારી સરકારનું સંપૂર્ણ હિત કરવાની, ભ્રષ્ટાચાર શોધવાની અને કાર્યવાહી કરાવવાની છે. હવે દાહોદ જિલ્લામાં આજસુધી લોકપાલ નાયક પાસે કેટલી તપાસ આવી અને કેટલી તપાસમાં ગેરરીતિ શોધી લાવ્યા એ સવાલ પણ સમજી શકાય તેવો છે. વધુમાં જો તાલુકા, જિલ્લાને ભ્રષ્ટાચાર મળ્યો તો પછી લોકપાલના રીપોર્ટમાં બધું બરાબર આવ્યું તો સાચો રીપોર્ટ કયો? જો તાલુકા, જિલ્લાનો તપાસ રીપોર્ટ સાચો તો પછી લોકપાલ નાયકે તપાસમાં બેદરકારી રાખી? તપાસમાં ઈરાદાપૂર્વક ગેરરીતિ છુપાવી કે ભ્રષ્ટાચાર શોધવામાં કાચા પડ્યા? આ તમામ સવાલો એટલા માટે કે, સરકારનું હીત રાખવાની જેની જવાબદારી હોય એમનાથી કચાશ કેમ થાય છે ?