ગંભીર@દાહોદ: શિક્ષણ મંડળીના બોગસ દાખલા ઉભા કરી ટેક્ષ ચોરીની હરકત? ટૂંક સમયમાં ખુલશે કૌભાંડીઓનો રાફડો

 
Tex
લાખોની રકમ દાન કર્યાની પહોંચ કેવી રીતે ટકી શકે તે સૌથી મોટો સવાલ છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચારના કિસ્સામાં કોઈ ઘટાડો થતો નથી અને એક પછી એક અને તદ્દન નવા જ કૌભાંડો ખુલે છે. આ સિલસિલામાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે કે, શિક્ષણ સંબંધિત મંડળીના બોગસ દાખલા ઉભા કરી/કરાવી ખોટી વિગતો રજૂ કરી ટેક્ષ ચોરી કરવાની હરકતો થઈ છે. ઇન્કમટેક્સ નીલ ભરવા સારું જાણીને જોઈને મંડળી સાથે લેવાદેવા ના હોય કે કોઈ સંસ્થામાં દાન ના આપ્યું હોય છતાં ખોટાં દાખલા રજૂ કરવાના ચોંકાવનારા સમાચારનો ટૂંક સમયમાં ઘટસ્ફોટ થવા જઈ રહ્યો છે. જોકે આ પહેલાં સમજવું પડશે કે, રાષ્ટ્રહિત માટે અને દેશના વિકાસની અતિ મહત્વની પાંખ એવા ઈન્કમટેક્સને ઓનલાઇન વિગતો આપતાં પહેલાં કોણ કેવીરીતે અને કોના આશીર્વાદથી આ કાંડ કરે છે અને કેટલી વખત આ કાંડ થયો તે જાણવું ખૂબ જરૂરી છે. વાંચો નીચેના ફકરામાં


નોકરી કરતાં કે વ્યવસાયકર્તાઓ સહિતનાઓને દર વર્ષે નિયમાનુસાર આવકની સામે ઈન્કમટેક્સ ભરવાનો થાય અથવા હિસાબ કરતાં નીલ ભરવાનો થાય છે. આ બાબતે દાહોદ જિલ્લામાં શિક્ષણ સાથે સંકળાયેલા કેટલાક ગૃપ/મંડળીના સત્તાધિશો અને તેમનાં મળતિયા એકબીજાની ગરજ પારખી વ્યાજ ભર્યાના બોગસ દાખલા ઉભા કરી રહ્યા છે. હમણાંથી નહિ પરંતુ ઘણાં વર્ષોથી આવી રીતે ઈન્કમટેક્સ નીલ ભરવા ખોટી લોન બતાવી, દાન ના આપ્યું છતાં દાન કર્યાની લાખો રૂપિયાની પહોંચ રજૂ કરાય છે. કૌભાંડી ટોળકીના ઈસમોની આખી ચેનલ એકબીજાની જરૂરિયાત સંતોષી આખરે બોગસ કાગળો થકી ઓનલાઇન ખોટી અને અત્યંત શંકાસ્પદ વિગતો ભરી સરકારને ગેરમાર્ગે દોરે છે. જેને જોવા ચકાસવાની જવાબદારી છે તેવા સાહેબે પણ ગંગામાં હાથ ધોવાની મેલીમુરાદ રાખી કૌભાંડી ચેનલમાં ભરપૂર સાથ આપ્યો છે. નીચેના ફકરામાં સમજો

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્કમટેક્સની જોગવાઈ મુજબ આવક કરતાં વધુના સ્લેબમાં નહિ જવા બોગસ વ્યાજ ભર્યાના કાગળો અને લાખોની રકમ દાન કર્યાની પહોંચ કેવી રીતે ટકી શકે તે સૌથી મોટો સવાલ છે. એક આખી ટોળકીએ આ તમામ મેનેજમેન્ટ સંભાળી અને જાગૃત નોકરીયાતાને ગેરમાર્ગે દોરી ઈરાદાપૂર્વક ખોટાં કાગળો થકી કરચોરીને અંજામ આપ્યો છે. આ બાબતે કૌભાંડની મોડસ ઓપરેન્ડી, કૌભાંડના મુખ્ય સૂત્રધારો, કૌભાંડના પડદાં પાછળના ખેલાડીઓ અને કયા સાહેબની કૃપા દ્રષ્ટિથી આ ખેલ અત્યાર સુધી ખેલાયો તે સહિતનો રીપોર્ટ ટૂંક સમયમાં જાણીએ. જેમાં કરચોરીને મદદ કરનારા અને જવાબદારી છતાં બીજા ઉપર ઢોળી દેનારાનો ખેલ ટૂંક સમયમાં ઘટસ્ફોટ સ્વરૂપે જાણીએ.