ગંભીર@દક્ષિણ: રમતગમતના સાધનો ઉંચા ભાવથી ખરીદવાનું પાક્કું? સરકારના રૂપિયા નહિ બચાવી શકે?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દક્ષિણ ગુજરાતમાં અત્યારે રમતગમતના સાધનો ખરીદવા ટેન્ડર પ્રક્રિયા કાર્યરત થઇ અને કેટલાક ટેન્ડરના વર્ક ઓર્ડર પણ તૈયારીમાં છે. હવે આ ટેન્ડરમાં ખરીદ નિયમો જાળવવા સાથે સૌથી મોટી વાત સરકારના રૂપિયા પણ બચાવવા અથવા વેડફાય નહિ તે અગત્યનું બન્યું છે. જોકે નવસારી અને વલસાડ જિલ્લામાં રમતવિકાસ અધિકારી સદર ટેન્ડર મામલે સરકારના નાણાં વધુને વધુ બચાવી શકશે કે નહિ તે સવાલ છે. બીજું કે, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસના અને ટેન્ડર ઓથોરિટીના નિયમો સાથે પણ સરકારના નાણાં બચાવી શકાય છે. હવે આ બાબતે બંને ડીએસડીઓ કેટલા જાગૃત છે અથવા ઈચ્છુક છે તે વિષયે વિગતવાર સમજીએ જેથી કલેક્ટર સાહેબને પણ ખબર પડે.
નવસારી જિલ્લામાં રમતવિકાસ અધિકારીની કચેરીને વિકાસકામોની સરેરાશ 40 લાખની ગ્રાન્ટ મળેલી છે. જેના 10 લાખના કુલ 4 ટેન્ડર કરીને રમતગમતના સાધનો ખરીદવાની આખી પ્રક્રિયા વર્ક ઓર્ડર ઉપર આવી પડી છે. આ પ્રક્રિયા જે પ્રમાણે થઈ તે જોતાં સૌથી મોટો સવાલ કે, સરકારના નાણાં વેડફાઈ જશે કે બચશે? વિવિધ વેપારીઓના દાવો છે કે, 10 લાખના રમતગમતના સાધનો ટેન્ડર મુજબની ટેકનિકલ સ્પેશિફિકેશન અને માંગણી મુજબ ખરીદો તો પણ બજારમાં સરેરાશ 2થી 3 લાખમાં મળી શકે છે. તો અહિં સવાલ થાય કે, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી ઓછાં ભાવમાં ખરીદી શકાય ? જવાબ છે હા. વાંચો નીચેના ફકરામાં.
જો ચોક્કસ પાર્ટીને સેટ થાય તેવી અને બિનજરૂરી શરતો રાખવાને બદલે રમતગમતના સાધનોની ગુણવત્તા, ટકાઉ સ્થિતિ, વોરંટી, મરામત દેખરેખને ધ્યાનમાં રાખવામાં આવે તે સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. હવે આવી સ્થિતિમાં વલસાડ જિલ્લામાં પણ રમતવિકાસ અધિકારીએ સરકારની ગ્રાન્ટ માંથી રમતગમતના સાધનો ખરીદવા બેથી ત્રણ ટેન્ડર શરૂ કર્યાં છે. અહિં પણ એ સવાલ થાય છે કે, સરેરાશ 2થી 3 લાખમાં મળી રહેતાં રમતગમતના સાધનો કાર્ટેલ કરી/કરાવી 8થી9 લાખમાં ખરીદ/વેચાણ કરે કે કરાવે તો સરકારના રૂપિયા કોણ અને કેવીરીતે બચાવશે? જો ખરીદનાર પાર્ટી એટલે કે, કચેરીના સત્તાધિશો ધારે તો નિયમમાં રહીને અને ખરીદી નિતિને અનુસરીને પણ બિનજરૂરી નાણાંકીય વેડફાડને બચાવી શકે છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં બંને જિલ્લામાં સરકારના રૂપિયા બચશે કે નહિ તેનો ઘટસ્ફોટ કરીશું.