ગંભીર@ફતેપુરા: વહીવટદારે આચર્યું કૌભાંડ, બીજા ગામમાં ખર્ચ પાડી દિવાલ સાથે સરકારને લગાવ્યો ચૂનો

 
Fatepura
જમીન કરોડીયા ગ્રામ પંચાયત હદની હોવાનું ખુદ મહિલા તલાટી કૌશિકા પંચાલે જણાવતાં હડકંપ મચી ગયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 
ફતેપુરા તાલુકાના ગામોમાં ખૂબ લાંબા સમય સુધી સરપંચના અભાવે સત્તા ભોગવી ચૂકેલા અનેક પૈકી કેટલાક વહીવટદારે જાણે કોઈ કસર રાખી નથી. આ કસર પણ જાણીને ચોંકી શકાય તેવી અને અતિ ગંભીર હોવાનું ખુદ ફતેપુરા ગામલોકો દ્વારા સંશોધન આધારે સામે આવ્યું છે. તત્કાલીન વહીવટદાર અને હાલના તલાટીએ ફતેપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારને બદલે કરોડીયા ગ્રામ પંચાયતની હદમાં કમ્પાઉન્ડ વોલ તાણી બાંધી હોવાનું સામે આવ્યું છે. આ અમે નહિ ખુદ ગામના લોકો અને ખુદ કરોડીયા ગ્રામ પંચાયતના મહિલા તલાટી જણાવે છે કે, ડમ્પિંગ યાર્ડ પાસેની ખાનગી જમીન કરોડીયા ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવે છે અને દિવાલ કોણ બાંધી ગયું તેની જાણ નથી. લો કરો વાત, જમીન પણ ખાનગી અને ફતેપુરા ગ્રામ પંચાયત હદની નથી છતાં તત્કાલીન તલાટી કમ વહીવટદાર સંતોષ રાવત અને તલાટી કમ મંત્રી રાજેશ ચરપોટે સરેરાશ 2.70 લાખ વાપરી દીધા છે. જાણીએ સમગ્ર અહેવાલ.

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ વગરના વહીવટનો એક ચોંકાવનારો અને સરકારને ચૂનો લગાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તત્કાલીન વહીવટદાર કમ તલાટી સંતોષ રાવત અને તે વખતના તેમજ હાલે પણ તલાટી કમ મંત્રી રાજેશ ચરપોટે ગત સમયે સરકારની યોજનાકીય ગ્રાન્ટમાંથી વિવિધ કામો કર્યા પરંતુ એક કામ ગામલોકો એવું શોધી લાવ્યા કે જેનાથી ખળભળાટ મચી ગયો છે. તત્કાલીન વહીવટદાર અને તલાટીએ ફતેપુરા ગ્રામ પંચાયત હદની બહાર જઈને છેક કરોડીયા ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં અને તેમાં પણ ખાનગી જમીનમાં દિવાલ તાણી બાંધી ખર્ચો કરી દીધો છે. ફતેપુરા અને કરોડીયા ગામ નજીક આવેલ ખુલ્લી ડમ્પિંગ યાર્ડની જગ્યાની છેડે દિવાલ બાંધી સરેરાશ 2.70 લાખનો સરકારી ખર્ચ પાડી દીધો પરંતુ આ જમીન કરોડીયા ગ્રામ પંચાયત હદની હોવાનું ખુદ મહિલા તલાટી કૌશિકા પંચાલે જણાવતાં હડકંપ મચી ગયો છે. આટલુ જ નહિ , ફતેપુરા ગામનાં એક જાગૃત નાગરિક દિલીપભાઈ પ્રજાપતિ ત્યાં સુધી જણાવે છે કે, દિવાલ કાગળ ઉપર બનાવી રકમ ઉપાડી લીધી છે અને દિવાલ તો જમીન માલિકે બનાવી છે. વાંચો નીચેના ફકરામાં.

 

મામલો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ ઉચાપતનો લાગતા તત્કાલીન વહીવટદાર સંતોષ રાવતને પૂછતાં જણાવ્યું કે, જમીન ફતેપુરા ગ્રામ પંચાયતના હદમાં આવે છે અને જ્યારે મહિલા તલાટીએ ફોન કરી પૂછતાં સંતોષ રાવતે ફોન કાપી દીધો હતો. આ પછી ફરી અમોએ ખરાઇ કરવા સંપર્ક કરતાં સંતોષ રાવતે કરોડીયા ગામના‌ મહિલા તલાટીની વાતને ખોટી ગણાવી નથી પરંતુ વિવિધ લોકોને ફોન જોડી અમો ઉપર ફોન કરાવવા કોશિશ કરી છે. અહિં સૌથી મોટો સવાલ થાય કે, આ બાબતે કૌભાંડ અને ઉચાપતની ફરિયાદ ખુદ સરપંચે પણ કરી હોઈ ટીડીઓ જો સાચો રીપોર્ટ ડીડીઓને જણાવે તો અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી થાય તેમ છે.