ગંભીર@ફતેપુરા: પંચાયતના બોગસ કામોની જગ્યાને ટીડીઓ, પ્રમુખે કેમ કોમ્પ્યુટર સેન્ટરોમાં ખપાવી, મહત્વની ફરજ ભૂલ્યા

 
ફતેહપુરા
આ કાગળો ઉપર સરકારી કામોના નામો અને રકમ લખેલી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


ફતેપુરા તાલુકા પંચાયત સંબંધિત કામનો કથિત વાયરલ વીડિયો ઈરાદાપૂર્વક ભૂલી દેવામાં આવી રહ્યો છે. વિડિયોથી ઉભા થતાં સવાલો અને શાખ પણ ભૂલાવવા અવનવી દલીલો મૂકવામાં આવી રહી છે. જોકે આજે ફરીથી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા સૌથી મોટી વાત જાહેર જનતા સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે. જો આ કથિત જગ્યાએ તાલુકા પંચાયત સંબંધિત બોગસ કામો થતાં નથી તો પછી સમગ્ર વિસ્તારમાં તાલુકા પંચાયત સમક્ષ કેમ સવાલો થાય છે? તાલુકા પંચાયતની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોવા છતાં ટીડીઓ અને પ્રમુખે અઢળક ઘણાં કોમ્પ્યુટર સેન્ટરો ચાલતાં હોય તેમ કહીને હાથ અધ્ધર કર્યા છે. હકીકતમાં તાલુકા પંચાયતનો જૂનો કરારી ઈસમ તેના સાહેબની સુચનાથી સરકારી રેકર્ડ બનાવી રહ્યો તે વિડિયોમાં સ્પષ્ટ દેખાય છતાં ઈરાદાપૂર્વક આ મામલો દબાવવામાં આવી રહ્યો છે. જાણીએ વધુ એક સૌથી મોટો ખુલાસો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતના નવા પ્રમુખ ભલે પારદર્શક વહીવટ ચલાવતાં હોવાનો દાવો કરે પરંતુ કંઈક તો એવું છે કે જેનાથી ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. હજુ હમણાં વાયરલ થયેલો વિડિયો ભલે નકલી કચેરી હોય અથવા નથી તેવી સામસામે દલીલ કરાવતો હોય પરંતુ આજે આપણે સત્તાધીશોના ઈરાદા ઉપરથી દૂધનુ દૂધ અને પાણીનું પાણી કરીએ. જ્યારથી વિડિયો વાયરલ થયો ત્યારથી આખાય તાલુકામાં સૌથી પહેલા સવાલો એકમાત્ર ફતેપુરા તાલુકા પંચાયત સામે થયા છે. અનેક લોકોએ પ્રમુખ અને ટીડીઓ સમક્ષ વાયરલ વિડિયોની વાત રજૂ કરી પરંતુ એકપણ વાત મામલતદાર કે અન્ય અધિકારી સમક્ષ થઈ નથી. હકીકતમાં વાયરલ વિડિયોમાં એક મહિલાનો જે હાથ દેખાય છે તે કાગળો ફેરવે છે. આ કાગળો ઉપર સરકારી કામોના નામો અને રકમ લખેલી છે. વાંચો નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, વાયરલ વિડિયોમાં એક માણસ કોમ્પ્યુટર ઉપર બેઠેલો છે અને ટેબલ ઉપર બોગસ કામોની વિગતો સરકારી હેતુ માટે તૈયાર કરીને મૂકી છે. આટલુ જ નહિ આ વાયરલ વિડિયોના સ્થળે કેટલાક ડેલિકેટ પણ ત્યાં ઉપસ્થિત હતા. હવે પ્રાથમિક દ્રષ્ટિએ કથિત વાયરલ વિડિયો તાલુકા પંચાયતની શાખને નુકસાન કરતો જણાય છે. આ બાબતે પૂછતાં તાલુકા પંચાયતના ટીડીઓ અને પ્રમુખ જણાવ્યું કે, વિસ્તારમાં અનેક કોમ્પ્યુટર સેન્ટરો વિવિધ કામગીરી કરતાં હોય એટલે કોને ત્યાં કેવી રીતે તપાસ કરવી. આવી દલીલો કરીને ઈરાદાપૂર્વક મામલો ઠંડો પાડવા કોશિશ કરી પરંતુ તાલુકા પંચાયતની પ્રતિષ્ઠા વિશે પૂછતાં વાતમાં સૌથી મોટો વળાંક આવ્યો. વાંચો નીચેના ફકરામાં.


ફતેપુરા તાલુકા પંચાયત આવું કોઈ કામ બહાર નથી કરાવતી અને એકદમ પારદર્શક વહીવટ થાય છે તો જે વિડિયોથી ગામલોકોમાં ખોટો સંદેશો ગયો છે અથવા હકીકતમાં કોઈ બોગસ કામો તૈયાર કરી રહ્યું છે તેની તપાસ શું પોલીસ સ્ટેશન ના કરી શકે ? તાલુકા પંચાયતની પ્રતિષ્ઠા માટે અને જો ખોટું હોય તો સરકારના હિત માટે શું ટીડીઓ કે પ્રમુખે ફતેપુરા પોલીસ સ્ટેશનને પત્ર લખી વિવાદીત સ્થળે તપાસ કરવા ના કહી શકે ? પોલીસને સરકારના હિતમાં તપાસ કરવાનો અધિકાર છે તો ટીડીઓ અથવા પ્રમુખ ફતેપુરા તાલુકા પંચાયતના પારદર્શક વહીવટની શાખ જાળવી રાખવા પોલીસ મથકે તપાસનો વિનંતી પત્ર ના લખી શકે? આવા સવાલો કરતાં ટીડીઓ બોલ્યા વ્યસ્ત છું, રૂબરૂ મળો. હવે આગામી ન્યૂઝ રિપોર્ટમાં વધુ એક ઘટસ્ફોટથી જાણીશું કે, કોણ છે આ કોમ્પ્યુટર સેન્ટરનો સાહેબ.