ગંભીર@ગાંધીનગર: ગ્રંથાલય નિયામક ઉપર લાલચ હાવી કે દબાણ? કરોડોના ટેન્ડરમા સેટિંગ્સ અને પ્રપંચ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ગાંધીનગર સ્થિત રમતગમત વિભાગ હેઠળની ગ્રંથાલય નિયામકની કચેરીના સુપ્રિમો એવા ડાયરેક્ટર ઓફ લાઇબ્રેરી કચેરી દ્વારા તબક્કામાં અનેક કરોડોના ટેન્ડર આવ્યા છે. જેમાં સ્માર્ટ ગ્રંથાલયના એક નહિ પરંતુ અનેક ટેન્ડરમા શાહબંધુઓની ગમ્બોલ, ગુડયુઝ અને ટોયક્રા કંઈ એમ જ વેપાર લઈ જાય છે? ના ના, સ્માર્ટ ગ્રંથાલયના કરોડોના અનેક ટેન્ડરમા દેખીતું અને ભયંકર સેટિંગ્સ કંઈ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ વાળા પાડે છે? ના, અહિં સૌથી મોટો સવાલ થાય કે, ગ્રંથાલય નિયામક ઉપર લાલચ નામનું પરિબળ હાવી છે કે કોઈ દબાણ ? ઓનલાઇન ટેન્ડરની લોબી જણાવે છે કે, આ કામો એમ જ ના મળે તો પછી ગ્રંથાલય નિયામક તપાસ કેમ નથી કરાવતા? તદ્દન દેખાડો કરવા પૂરતી બનાવટી ભાવ હરિફાઈ તમારા ઘરની ખરીદીમાં ચલાવી લેશો? આ રીપોર્ટમાં જાણીએ કે, સેટિંગ્સ પાછળના કારણોનો સમગ્ર અહેવાલ.
રમતગમત વિભાગની ગ્રંથાલય નિયામકની કચેરી દ્વારા તાલુકા કક્ષાએ અને વિવિધ શહેરોમાં સરકારી હાઈટેક લાઇબ્રેરીના નિર્માણની કામગીરી ખૂબ જ સુંદર રીત ચાલી રહી છે. જોકે આ સુંદર કામગીરી વચ્ચે સેટિંગ્સની દુર્ગંધ સુંદરતાની સુવાસ ઉપર હાવી થઈ રહી છે. ગ્રંથાલય નિયામક દ્વારા થયેલા અનેક પૈકી કેટલાય ટેન્ડરમા એજન્સીઓના ગૃપ અથવા એક જ એજન્ટ ઈસમને કરોડોનો વેપાર કંઈ પારદર્શકતાથી મળતો નથી. ગ્રંથાલય નિયામકની પારદર્શક ટેન્ડર પ્રક્રિયાની દાવેદારી છે તો પછી ગમ્બોલ, ગુડયુઝ અને ટોયક્રા વચ્ચે મિલીભગત કેમ? ત્રણેય એજન્સીઓના આકા અને સેટિંગ્સ પાડતો ઈસમ કોણ? લાઇબ્રેરી નિયામકના સતત સંપર્કમાં રહેતો અને કેવીરીતે ટેન્ડર બનાવવું તેવું માર્ગદર્શન આપતો બિનસરકારી એજન્સી/એજન્ટ કોણ? કરોડોના ટેન્ડરમા બિન ઈરાદાપૂર્વક અને બટ નેચરલ સેટિંગ્સ થઈ જાય છે? શું કોમ્પ્યુટર બાબા બધું કરે છે અને ખરીદનાર સાહેબ કંઈ કરતાં નથી? હવે નીચેના ફકરામાં વાંચો ઘટસ્ફોટ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગ્રંથાલય નિયામકને તમામ પ્રકારની માહિતી છે કે, કેવી રીતે અને કેમ સ્માર્ટ ગ્રંથાલયના કરોડોના ટેન્ડર વેપારમાં સેટિંગ્સ થાય છે. આટલુ જ નહી, ગ્રંથાલય નિયામકની કચેરીમાં અને લેપટોપ/કોમ્પ્યુટરમા તેમજ નજીકના સીસીટીવી કેમેરામાં તમામ જરૂરી પુરાવા છે કે, કેવીરીતે ગમ્બોલ, ગુડયુઝ અને ટોયક્રા વચ્ચે મિલીભગત થાય છે અને કચેરીના કયા સૌથી મોટા અધિકારી આ સેટિંગ્સને મંઝીલ સુધી પહોંચાડવા મદદ કરે છે. શું ગ્રંથાલય નિયામક પંકજ ગોસ્વામીને ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર થતી એજન્સીઓની રિંગ તપાસવાની ફરજ નથી? આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ.

