ગંભીર@ગુજરાત: અવનીના બાજરા444++ના વેચાણ સામે ખેતી વિભાગે ફટકારી નોટિસ, કાર્યવાહી ક્યારે?

 
Gujrat
નરોડા, અમદાવાદ ખાતે વેચાણ થયાનું બીલ સામે આવ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ગુજરાતમાં બિયારણ બાબતે મહાકાય કંપની એવી અવની સિડ્સના બાજરા444++ ના વેચાણ મામલે હવે કૃષિ વિભાગ થોડું જાગૃત થયું છે. આ બિયારણનું રજીસ્ટ્રેશન નહિ છતાં બેફામ વેચાણ થતું હોઈ બૂમરાણ મચી હતી. જેને આધારે અવનીના બાજરા 444++ના વેચાણ મામલે પ્રથમ તબક્કે નોટિસ ફટકારી છે. ખેતી નિયામકની કચેરીએ બાજરા 444++નું તાત્કાલિક અસરથી વેચાણ બંધ કરવા અને દિન 5 માં ખુલાસો કરવા હુકમ કર્યો છે. જોકે સૌથી મોટી વાત એ કે, વેચાણ કરવાનું જ નથી અને સ્ટોપ સેલ છતાં પણ વેચાણ સામે સવાલો ઉભા થયા છે. હવે નોટિસ સામે ખુલાસા બાદ નિયામક કચેરી જથ્થો સીઝ કરશે કે કેમ ? જાણીએ સમગ્ર અહેવાલ.

ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં અવની સિડ્સના વિવિધ બિયારણોના વેચાણ થાય છે ત્યારે બાજરા444++ જાતનું વેચાણ કરવાનું નથી. આ જાતનું રજીસ્ટ્રેશન નથી એટલે વેચાણ ના થાય છતાં બેફામ આખા ગુજરાતમાં વેચાણ યથાવત છે ત્યારે કાર્યવાહીનો પ્રશ્ન થયો છે. રજૂઆત ધ્યાને આવતાં પ્રથમ તબક્કે નિયામક કચેરીએ 23 જાન્યુઆરી 2025ના રોજ નોટિસ ફટકારી કે, 6 ડિસેમ્બર 2024 ના રોજ બાજરા444++ નું રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું છતાં વેચાણ ચાલુ હોઈ ગંભીર બાબત છે. નોટીસમાં વધુમાં લખ્યું કે, તાત્કાલિક અસરથી આ જાતનું વેચાણ બંધ કરવામાં આવે અને અવની સિડ્સ સામે આગળની કાયદાકીય કાર્યવાહી કેમ ના કરવી તેનો ખુલાસો આપવો. હવે આટલી ગંભીર નોટિસ છતાં પણ વેચાણ થતું હોવાનું ધ્યાને આવતાં ખળભળાટ મચી ગયો છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અવની સિડ્સ એટલી મહાકાય કંપની છે કે, રજીસ્ટ્રેશન ના હોય છતાં વેચાણ કરે, સ્ટોપ સેલ કહેવાય તો પણ વેચાણ થાય, નોટિસ ફટકારે તો પણ વેચાણ કરે છે. ગત 23 જાન્યુઆરીએ નોટિસ ફટકારી છતાં 26 જાન્યુઆરીએ નરોડા, અમદાવાદ ખાતે વેચાણ થયાનું બીલ સામે આવ્યું છે. આનાથી એક વાત ઉભી થાય કે, નરોડા જ નહિ પરંતુ ગુજરાત ભરમાં અનેક જગ્યાએથી શું વેચાણ નહિ થતું હોય ? ખુદ ખેતી નિયામક કચેરી ઘણું ગંભીર છે એવું બોલે છતાં બેફામ વેચાણ ચાલુ રહે એટલાથી એક સવાલ જરૂર બને કે, નિયામક કચેરી ન્હોર વગરનો સિંહ કે આંખ આડા કાન? આ બાબતનો રીપોર્ટ ટૂંક સમયમાં સમજીએ.