ગંભીર@ગુજરાત: વનવિભાગના કરોડોના ટેન્ડરમા જેડ, અવંતિ અને અરિતાહ એજન્સી જ માન્ય, બેફામ સેટિંગ્સ સામે સૌ કોઈ નતમસ્તક?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
વનવિભાગની જિલ્લા સ્તરની કચેરીના છેલ્લા કેટલાક મહિનાઓથી તબક્કાવાર ઉપરાઉપરી ટેન્ડરો આવી રહ્યા છે. રોપાઓ માટે કાળાં કલરના પ્લાસ્ટિક ઝબલા એટલે કે પોલીથીન બેગ્સ ખરીદવા કરોડોના માંગણા ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર આવી રહ્યા છે. જિલ્લા કચેરીઓને જેટલી જરૂર એટલી સંખ્યા/વજન મુજબના ટેન્ડર થઈ ગયા અને કેટલાક જિલ્લામાં ખરીદીના ટેન્ડર ચાલી પણ રહ્યા છે.લાખો કરોડોના આ ટેન્ડર ઉપર ત્રણ એજન્સીઓ નામથી અલગ પરંતુ એક જ પરિવાર/ગૃપની છે અને પોલીથીન બેગ્સના ટેન્ડરમા એકચક્રી શાસન બનાવી ચૂક્યા છે. અમદાવાદ, પંચમહાલ, રાજકોટ, સુરત, વાપી અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં હજારો નાનામોટા વેપારીઓ છતાં આ ત્રણ એજન્સીના સેટ થાય તેવું ટેન્ડર આવે અને કોઈની તાકાત છે કે ટેન્ડર ભરી પણ શકે. જો મહેનત કરી ટેન્ડર ભરી લે તો અમાન્ય થવાની તૈયારી રાખવી પડે એટલે આખરે આ ત્રણ એજન્સી વચ્ચે બનાવટી/નાટ્યાત્મક રિવર્સ ઓક્શન થાય અને એ ત્રણેય ઈચ્છા મુજબની એજન્સીને ઉંચા ભાવથી એલ1 થવા મદદ કરે છે. જાણીએ કરોડોની ખરીદીમાં સેટિંગ્સની ભયંકર દુર્ગંધ આવતી મોડ્સ ઓપરેન્ડીનો સ્પેશિયલ ઘટસ્ફોટ રિપોર્ટ.
ગુજરાતમાં વનવિભાગના ટોપ મોસ્ટ પૈકીના હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સને આરએફઓ બદલી કાંડ બાદ બદલી દીધા બાદ ટેન્ડરમાં ચોંકાવનારી હદે સેટિંગ્સનો ભયંકર ખેલ અત્યારે ચર્ચામાં છે. આ કૌભાંડ વ્હાઈટ કોલરનુ, ધોળાં દિવસે, જગજાહેર, સૌ કોઈને દેખાઇ શકે એવું અને કોઈની તાકાત છે કે રોકી શકે તેવા લક્ષણો ધરાવે છે. ખરીદનાર અને વેચનાર સહિતનાઓ થકી સુનિયોજિત રીતે નાટ્યાત્મક અને દેખાડો કરવા પૂરતું ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર સેટિંગ્સથી ખરીદ વેચાણને અંજામ આપતું આ કૌભાંડ છે. જિલ્લાની નાયબ વન સંરક્ષકશ્રીની કચેરીઓ દ્વારા હજારોની સંખ્યામાં પોલીથીન બેગ્સની ખરીદી માટે ટેન્ડર થયા અને હજુ ચાલુ છે પરંતુ જેડ પોલીમર્સ, અવંતિ એન્ટરપ્રાઇઝ અને અરિતાહ એન્ટરપ્રાઇઝ એજન્સીઓ જ ક્વોલિફાય થાય છે. ટેન્ડરની જોગવાઈ જ એવી હોય કે જો ભૂલથી પણ કોઈ વર્ષો જૂની પોલીમર્સ ફેક્ટરી ટેન્ડર ભરે તો પણ આ ત્રણ એજન્સી સામે ટકી શકતી નથી. ટેકનિકલ ક્વોલિફાય થયા બાદ આ ત્રણેય એજન્સીઓ વચ્ચે મિલીભગત થાય, રિંગ થાય, કાર્ટેલ થાય અને દેખાડો કરવા પૂરતી ભાવ ઓફર પ્રક્રિયા અનુસરી વર્ક ઓર્ડર કબ્જે થાય છે અને કબ્જે અપાય છે. વાંચો નીચેના ફકરામાં.
ગુજરાતમાં વનવિભાગની વિવિધ કચેરીના ટેન્ડર થયા તેમાં 90% ટકા આ ત્રણેય એજન્સીઓ વચ્ચે અલગ અલગ સંખ્યામાં લાગ્યા છે. જો તમે સવાલ ઉઠાવો તો સામેથી ખરીદનાર કચેરીઓના જવાબ આવે કે, બીજા કોઈ વેપારી કેમ ટેન્ડર ભરતાં નથી? આ બાબતે અમોએ કેટલાક પોલીમર્સ વેપારીઓને પૂછ્યું તો જણાવ્યું કે, ""ખોટી મહેનત થાય છે કેમ કે આ ત્રણ એજન્સી અને તેમની મળતિયા એકાદ બે એજન્સી જ ક્વોલિફાય થાય છે. શરૂઆતમાં અમે ટેન્ડર ભરતાં હતા પરંતુ અમાન્ય થતાં હોઈ ભરવાનું બંધ કર્યું છે. જો આની તપાસ થાય તો અતિશય ઉંચા ભાવે ખરીદી, એજન્સીઓએ વચ્ચે રિંગ, ટેન્ડર સેટિંગ્સ, કાગળો વિશે ચોંકાવનારી માહિતી સહિતનું બહાર આવે તેમ છે"". હવે અહિં સૌથી મોટો સવાલ થાય કે, આ ત્રણ એજન્સીઓ અલગ અલગ છે કે ત્રણેય નામ માત્રની અલગ છે બાકી કોઈ એક વ્યક્તિ જ બધું મેનેજ કરે છે ?? બીજો સવાલ કે શું વનવિભાગ, ઉદ્યોગ કમિશ્નર કચેરી, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ કચેરી, જીએસટી અથવા સીઆઇડી ક્રાઇમ(આર્થિક ગુના શાખા) આ ત્રણેય વચ્ચે મિલીભગત/રિંગ શોધી શકે કે કેમ? આ તમામ મુદ્દે આગામી ન્યૂઝ રીપોર્ટમાં મોટો ઘટસ્ફોટ જાણવા પ્રયાસ કરીએ.

