ગંભીર@ઝાલોદ: સત્તાધિશોએ અનેક પ્લોટના વેચાણમાં જાહેર હરાજી ટાળી, તપાસ અધિકારીને કેમ ગળે ઉતર્યું?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પ્લોટ વેચાણ બાબતે થયેલા વહીવટમાં ભયંકર આશંકાઓ છતાં તપાસ અધિકારીને કોઈ કચાશ મળી નથી. જેમાં સૌથી મોટી વાત કે, ગંજબજારના સત્તાધિશોએ અનેક પ્લોટ વેચાણમાં જાહેર હરાજી ટાળી હતી અને કારણ આપ્યું કે, એક જ અરજી આવી હતી. લાખો કરોડોની પ્લોટ/દુકાન/ગોડાઉન સાવ કોડીના ભાવે હોય અને કોઈ ખરીદાર ના મળે? આમ છતાં તપાસ અધિકારી કમ સહકારી અધિકારી રાઠોડને કોઈ ક્ષતિ મળી નથી. જાહેર હરાજીની સમગ્ર પારદર્શક પ્રક્રિયા, એપીએમસીને આર્થિક રીતે મદદ કરવા કરેલી તનતોડ જાહેરાત, સહકારી કાયદાની જોગવાઈઓ અને કમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન શું આ બધું સહકારી અધિકારીને ધ્યાને નથી? સહકારી અધિકારીએ જો નિયમોને એકદમ કડકાઈથી અમલમાં લીધા હોત તો રીપોર્ટ કંઈક અલગ હોત. વાંચો સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભ્ય વિજયભાઈ કોળીએ પ્લોટ વેચાણમાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. જોકે તપાસમાં કંઈ ગેરરીતિ અથવા અનિયમિતતા મળી નથી ત્યારે ગાજેલા મેઘ વરસ્યા નહિ તેવી સ્થિતિ બની છે. જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સહકારી અધિકારી રાઠોડે કરેલી તપાસમાં પ્લોટ વેચાણ મુદ્દે એપીએમસીના ચેરમેન, સેક્રેટરીનો વહીવટ બરોબર લાગ્યો છે. મોટાભાગે એપીએમસીએ પ્લોટનો ચોરસ ફુટનો ભાવ રૂ.350 નો બેઝ રેટ નક્કી કર્યો હતો અને નિયમાનુસાર જાહેર હરાજી કરીને વધુને વધુ ઉંચા ભાવ આવે તેવું થાય. એક વાત અગત્યની કે, ઝાલોદ અને લીમડી એવી જગ્યા છે કે, અહિં પ્લોટ બેસકિંમતી છે ત્યારે સ્વાભાવિક જાહેર હરાજી પારદર્શક થાય તો ભાવ ખૂબ ઉંચા જાય પરંતુ જે રીપોર્ટમાં આવ્યું તે જાણી પગ તળેથી જમીન સરકી જાય તેવું છે. વાંચો નીચેના ફકરામાં.
સહકારી અધિકારી રાઠોડની તપાસમાં આવ્યું કે, અનેક પ્લોટની જાહેર હરાજી દરમ્યાન એક જ અરજી એટલે કે એક જ પાર્ટી ખરીદવા આવી હોવાથી જાહેર હરાજી શક્ય બની નહિ. આથી જાહેર હરાજી ટાળી બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પ્લોટ વેચાણ કરી દીધા હતા જેમાં ભાવ સરેરાશ 350થી 500 રહ્યા પરંતુ આવું શક્ય બને? જાહેર હરાજી કરતાં દરમ્યાન એક જ અરજી આવી તે બાબતે ઉંડાણપૂર્વકની તપાસ સહકારી અધિકારીએ કેમ ના કરી? જાહેર હરાજી ના થાય તો પણ બજારમાં પ્લોટના ભાવો કેટલા ચાલે એ સહકારી અધિકારીએ જાણીને ઝાલોદ એપીએમસીને ફાયદો થયો કે નુકસાન તેની તસ્દી કેમ ના લીધી? જાહેર હરાજી માટે સમગ્ર જિલ્લામાં અને આસપાસમાં વધુને વધુ જાહેરાતો કેમ ના થઈ તેની પાછળ કેમ સહકારી અધિકારીએ ધ્યાન ના આપ્યું? ઝાલોદ અને લીમડી વિસ્તારમાં પ્લોટની કિંમત તમે વેચાણ પહેલાં, વેચાણ દરમ્યાન અને આજેપણ જાણજો તેની સામે કેટલા રૂપિયામાં હકીકતમાં વેચાણ થયા તે જાણો એટલે આખીય સિસ્ટમ સમજાઈ જશે. ભાગ-3 માં આ તમામ મુદ્દે જાણવા પ્રયાસ કરીશું.