ગંભીર@લીમખેડા: ટીડીઓને મનરેગા ભ્રષ્ટાચારની જાણ કરતાં સૌ લોકો આ વાંચી લેજો, તૈયારી રાખવી પડશે

 
Limkheda
લીમખેડા તાલુકા પંચાયતના ટીડીઓ રાવતને 2 મહિના સુધી સમય મળ્યો નથી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

લીમખેડા તાલુકામાં મનરેગાના પારદર્શક કામો વિરૂદ્ધ ગામ સ્તરેથી કે અન્ય કોઈ નાગરિક તરફથી અવારનવાર રજૂઆતો આવેલી છે અને આવતી રહે છે. હવે આ રજૂઆતો કે ફરિયાદો છતાં તટસ્થ તપાસ કેટલી અથવા શું પરિણામ મળી શકે? આ સવાલના ઉંડાણમાં જતાં મોટો ઘટસ્ફોટ થયો કે, ટીડીઓને મનરેગા ભ્રષ્ટાચારની ફરિયાદ કરતાં મોટી તૈયારી રાખવી પડે તેવી સ્થિતિ છે. સરકારે ભલે અરજી નિકાલની સમયમર્યાદા નક્કી કરી હોય પરંતુ લીમખેડા તાલુકામાં તમારે મનરેગા ભ્રષ્ટાચારની ફરિયાદ પછી ખૂબ ધીરજ રાખવી પડે. તમારા સાહેબ વ્યસ્ત હોય તો મહિનાઓ સુધી અરજી ઉપર તપાસ ના પણ થાય. જાણીએ લીમખેડા તાલુકામાં ચાવવાના અને દેખાડવાના અલગ છે કે કેમ તેનો સ્પેશ્યલ રિપોર્ટ.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઈરાદાપૂર્વક અને જાણીજોઈને મનરેગાના સાહેબો ખૂબ પ્રમાણમાં સ્ટોનબંધ કરી રહ્યા છે. આ કામમાં લેબર કરતાં મટીરીયલનો ખર્ચ વધારે થાય છે. અનેક જગ્યાએ સ્ટોનબંધની જરૂરિયાત ભલે લાભાર્થીને ના હોય પરંતુ મનરેગાના સાહેબોને હોય. હવે આ બાબતે કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ સ્થાનિક વ્યક્તિએ ટીડીઓને મનરેગાના કામો તપાસવા સવિનય અરજી કરી છે. જાગૃત નાગરિકે ગત માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરેલી ફરિયાદ ઉપર તપાસ માટે ટીડીઓ અને મનરેગાના જવાબદારોને સમય મળ્યો નથી કે બીજું કારણ તે સમજવું પડશે. જાગૃત નાગરિકે લીમખેડા તાલુકાના આંતરસુબા, દુધિયાધારા, ડુંગરા, હાથિયાવણ અને પાડા સહિતના ગામોમાં મનરેગાના વર્ષ 2019-20થી 2023-24 સુધીના કામોની પારદર્શક તપાસ માટે ફરિયાદ કરી છે. પરિસ્થિતિ એવી છે કે, ટીડીઓનો જવાબ સમય નથી. વાંચો નીચેના ફકરામાં સમય બાબતે મનરેગાના કાયદામાં કેવી છે જોગવાઈ


સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગા એક્ટમાં જોગવાઈ છે કે, મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ આવે તો દિન 15 માં તપાસ પૂર્ણ કરી ધોરણસરની કાર્યવાહી કરવી. હવે લીમખેડા તાલુકા પંચાયતના ટીડીઓ રાવતને 2 મહિના સુધી સમય મળ્યો નથી. આ સાથે મનરેગાના કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે પણ એક્ટ મુજબ તપાસ કરાવી શકતા નથી. સમયનો અભાવ વાળો જવાબ પણ વ્યાજબી નથી કેમ કે, લીમખેડા તાલુકાના મનરેગાના કર્મચારીઓને બીજા તાલુકામાં તપાસ કરવાનો સમય મળે છે તો પોતાના તાલુકામાં કેમ નહિ? વાત આટલી નથી 5 મહિના અગાઉ પણ તત્કાલીન ઇન્ચાર્જ ટીડીઓ પરમારને મનરેગાના સ્ટોનબંધના કામોની તપાસ માટે વારંવાર મૌખિક રજૂઆતો થયેલી છે. 

ઈરાદાપૂર્વક અને જાણીજોઈને તપાસ કરવામાં વિલંબ તે પણ વાંચો 


લીમખેડા તાલુકામાં મનરેગાના કામોમાં સો ટકા પારદર્શકતા નથી તેવી બૂમરાણ છે. જો ગાંધીનગરથી સ્પેશ્યલ ટીમ આવે અને તપાસ માટે ઉતરી જાય તો પોલીસ ફરિયાદ થાય તેવી નોબત છે. આથી ઉપરોક્ત ગામો માટે જાગૃત નાગરિકે કરેલી ફરિયાદમાં તપાસ નથી. આટલુ જ નહિ, માહિતી અરજી છતાં કાગળો આપવાને બદલે કચેરીમાં રૂબરૂ બોલાવાય છે. રૂબરૂ બોલાવવાના કારણો અને ઈરાદાઓ પણ લીમખેડા તાલુકાના જાગૃત નાગરિકો હવે બરોબરના સમજી રહ્યા છે. આથી આગામી ન્યૂઝ રિપોર્ટમાં કરીશું મોટો ઘટસ્ફોટ.