ગંભીર@નવસારી: સ્પોર્ટ્સના સાધનો ખરીદવામાં સેટિંગ્સ છતાં દૂધે ધોયેલા, હવે કોણ સરકારનું હિત જોશે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નવસારી રમતવિકાસ અધિકારી દ્વારા સ્પોર્ટ્સના વિવિધ સાધનો ખરીદવા ગત દિવસોમાં જે ટેન્ડર કર્યું હતું તેમાં કેવીરીતે પ્રક્રિયા થઈ હતી તેનો રીપોર્ટ આપણે સમજ્યો હતો. તે દરમ્યાન સ્થાનિક વેપારીએ સરેરાશ 40 લાખના ટેન્ડરમાં પૂર્વ આયોજિત સેટિંગ્સ થયાની વિવિધ ફરિયાદ કરતો પત્ર કલેક્ટરને આપ્યો હતો. આમ છતાં જાણે કોઈ ફર્ક ના પડ્યો હોય તેવી સ્થિતિ હોવાનું સામે આવતાં પ્રામાણિક વેપારી આલમમાં સન્નાટો મચી ગયો છે. 40 લાખનો સામાન માંડ 20 લાખમાં આપી એક જ ઝાટકે બેઠાં બેઠાં 20 લાખ કમાઈ લેવાની આ મોડસ ઓપરેન્ડીથી સરકારનું હિત ક્યાં? તે સૌથી મોટો સવાલ થયો છે. આ બાબતે અધિકારીને પૂછતાં વારંવાર રૂબરૂ મળો કહે છે અને જે વેપારીએ ફરિયાદ કરી તેઓ કલેક્ટર તાત્કાલિક અને પારદર્શક તપાસની આશાએ બેઠાં છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે એકાદ વર્ક ઓર્ડર પણ છૂટી ગયો હોવાની ચકચાર ફેલાઇ હોઈ મામલો વધુ ચોંકાવનારો બનતો જાય છે. જાણીએ સેટિંગ્સથી સજ્જ ખરીદીનો અહેવાલ.
નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારે સરેરાશ 40 લાખની વહીવટી મંજૂરી રમતવિકાસ અધિકારીની કચેરીને આપી હતી. આ મંજૂરી બાદ નવસારી જિલ્લા રમતવિકાસ અધિકારીએ તાજેતરમાં 10 લાખના કુલ 4 ટેન્ડર કરી એમ કુલ 40 લાખની ખરીદ પ્રક્રિયા હાથ ધરી છે. હવે જે પ્રમાણે ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર થયું એટલે બધું બરાબર લાગે પરંતુ હકીકત કંઇક અલગ છે. ચોક્કસ વેપારીને ટેન્ડર લાગે તે માટે પૂર્વ આયોજિત થયાના ગંભીર આક્ષેપો કંઈ એમ નથી લાગતા. સરેરાશ 40 લાખના રમતગમતના સાધનો બજારમાં ઉચ્ચ ગુણવત્તાના ખરીદો તો પણ 20 લાખ સુધીના મળી શકે છે. હવે આ 4 ટેન્ડરમાં પારદર્શક ટેકનિકલ સેક્સન અને પારદર્શક રિવર્સ ઓક્શન થયું હોત તો ખૂબ નીચા ભાવે ખરીદી થઈ શકી હોત. આટલું જ નહિ, જો વેપારીઓએ રિવર્સ ઓક્શનમાં કાર્ટેલ કર્યું છે કે કેમ તે પણ ચકાસવું જોઇએ. જો બજારથી ખૂબ ઉંચા ભાવે ખરીદવું પડતું હોય તો પણ અધિકારીને ટેન્ડર રદ્દ કરી ફરીથી ટેન્ડર કરવાનો અધિકાર છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સરેરાશ 40 લાખના રમતગમતના સાધનો વેપારી 20 લાખમાં બજારમાંથી ખરીદી અધિકારીને આપી દેશે એટલે એક જ મહિનામાં 20 લાખનો બેઠાં બેઠાં વેપાર કરી લેશે. આટલી મોટી રકમ જો પ્રામાણિક અને પારદર્શક બની સરકારના નાણાંકીય હિતમાં બચાવવી હોય તો બચાવી શકાય તેમ હતું. આ બાબતે સ્થાનિક વેપારીએ આખીય ટેન્ડર પ્રક્રિયા કેવીરીતે થઈ અને ભ્રષ્ટાચાર શું તેનું વર્ણન કરતી અરજી નવસારી જિલ્લા કલેક્ટરને આપી પરંતુ તપાસની કોઈ ગતિ જણાતી નથી તેમ વેપારીએ કહી આશા રાખી રહ્યા હોવાનું કહ્યું છે. આથી હવે સૌથી મોટો સવાલ થાય કે, ચારેય ટેન્ડરમાં સેટિંગ્સની ભયંકર દુર્ગંધ છતાં સરકારના હિતની ચિંતા કોઈ કરી રહ્યું છે? આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં ચારેય ટેન્ડરની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે પ્રયત્નો કરીશું.