ગંભીર@રાજપીપળા: અધિકારી સંગ 2 વેપારીના વિકાસમાં છેવાડાના લાભાર્થીઓ ઠેરના ઠેર

 
Narmada admin file photo
ગુજરાતની સૌથી ઉંચી ટકાવારી કહી શકાય તેવાં કાંડ થયા છે આ વેપારી અને સત્તાધિકારી વચ્ચે 
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 
નર્મદા જિલ્લામાં આદીજાતી વિકાસ અને આયોજનની કરોડોની ગ્રાન્ટમાં થયેલી કામગીરીનો ખરેખર અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ છે. કોરોના કાળથી માંડી 2022-23 સુધીમાં આવેલી ગ્રાન્ટમાં મોટો વેપાર થઈ ગયો છે તેની શૃંખલામાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. અધિકારી અને 2 વેપારીના અંગત સ્વાર્થમાં છેવાડાના લાભાર્થીઓ ઠેરના ઠેર રહ્યા છે. લાભાર્થીઓની જરૂરિયાત સમજ્યા વગર માત્ર માલસામાનના ખરીદ વેચાણમાં અધિકારીની સંગે દાહોદ અને નવસારીના વેપારીએ મોટા કામ પાર પાડ્યા હતા. જો સત્તાધિકારી અને વેપારીના તમામ વહીવટ કમ વેપારની ઉંડાણપૂર્વકની તપાસ થાય તો ભ્રષ્ટાચારનો સૌથી મોટો ભાંડો ફૂટે તેમ છે. કેમ કે વેપાર કરવાની લ્હાયમાં અને સત્તાધિકારીએ મોટી કમાણી કરી લેવાની મહત્વાકાંક્ષામાં ઉંચામાં ઉંચી ટકાવારી આપ-લે થઈ હતી. આ ટકાવારીના ભોગે યોજના કમ કામગીરીના ગરીબ લાભાર્થીઓનુ કલ્યાણ ભૂલી દેવામાં આવ્યું હતુ. જાણીએ સમગ્ર અહેવાલ.
રાજપીપળાની ટ્રાયેબલ સબ પ્લાન કચેરી અને જિલ્લા આયોજન કચેરીમાં 2 વેપારીના ભયંકર આંટાફેરાથી જે થઈ ગયું તે ખૂબ ચોંકાવનારું છે. નાણાંકીય વર્ષ 2020-21થી હજુ હમણાં સુધી બંને કચેરીની કરોડોની ગ્રાન્ટ બાબતે દાહોદ, નવસારીના વેપારીએ અધિકારીને વાતમાં લઈ મોટાં વેપાર કરી દીધા છે. મનસ્વી આયોજન બનાવડાવી, મનસ્વી માલસામાન પસંદ કરાવી, મનસ્વી વહીવટ કરાવી બંને વેપારીએ ખૂબ મોટી ટકાવારી આપી કરોડોની બેસુમાર સંપત્તિ એકઠી કરી છે. જે ચીજવસ્તુઓની જરૂરિયાત ના હોય, જે ચીજવસ્તુનો હકીકતમાં બજાર ભાવ સામે ખૂબ મોટો ભાવ આપી એકમાત્ર વેપારના ઈરાદે અંગત વિકાસ કરી લીધો છે. સ્માર્ટ કિચન હોય, આરોગ્યના સાધનો હોય, રમતગમતના સાધનો હોય, બંકબેડ હોય તમામ ખરીદ વેચાણમાં જો ગાંધીનગરથી પારદર્શક તપાસ થાય તો સરકારને પણ મોટી રિકવરી કરવા મદદ મળે તેમ છે. તત્કાલીન અધિકારી અને બંને વેપારીની મોડસ ઓપરેન્ડી એક જ હોય ઉંચી ટકાવારી આપ-લે કરો અને મનસ્વી વેપાર કરો, આ પધ્ધતિમાં યોજના/ગ્રાન્ટના લાભાર્થીઓનો વિકાસ ત્યાં જ રહ્યો છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રાયેબલની કચેરી સાથે વર્ષોથી સંલગ્ન વ્યક્તિ એવા "મનના બોજ"ના મેળાપીપણામાં વેપારીના વેપારને મદદ મળી હતી. આ મનના બોજ ભાઈ મોબાઈલ ઉપર અને કચેરીમાં આ બંને વેપારી સાથે અવશ્ય રહેતા હતા. ટકાવારીની ભૂંડી ભૂમિકામાં આ મનના બોજે પણ મસમોટી મજા લીધી છે એ વાત પણ હવે ચોરે ને ચૌટે ફેલાઈ છે. વેપારી અને મનના બોજની હકીકતમાં આવક કરતાં સંપત્તિની ઈડીના બાહોશ અધિકારીઓ તપાસ કરે તો રિકવરી પણ કરોડોમાં મળે તેવી ચકચાર મચી છે. આથી હવે આગામી ન્યૂઝ રિપોર્ટમાં રાજપીપળામાં ભ્રષ્ટાચારની ભૂંડી ભૂમિકા ભજવનાર ટોળકીનો પર્દાફાશ કરવા પ્રયત્ન કરીશું.