ગંભીર@રાજપીપળા: વિકાસશીલની 6 કરોડની ગ્રાન્ટ એક જ વેપારમાં પૂરી, વહીવટમાં સૌથી ઉંચી ટકાવારી

 
Rajpipla
એકમાત્ર આરોગ્યના સાધનો ખરીદવા પ્લાન કરી વેપારીને ઠેકો આપી દીધો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


નર્મદા જિલ્લામાં આયોજનની વિકાસશીલ તાલુકાઓની ગ્રાન્ટમાં જે વહીવટ થયો હતો તેમાં હવે વધુ ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. નાણાંકીય વર્ષ 2021-22 દરમ્યાન એક તાલુકા લેખે 2 કરોડ એમ કુલ 3 તાલુકાની 6 કરોડની ગ્રાન્ટ એક જ કામમાં એક જ ખરીદીમાં ખર્ચી દેવા પૂર્વ આયોજિત દોડધામ થઇ હતી. વિકાસશીલની ગાઈડલાઈન અને જોગવાઈ મુજબ પ્રાથમિકતાના અને તેમાં પણ મલ્ટીપર્પઝ કામો લેવાને બદલે એક જ વિષયનું એક જ કામ પસંદ કર્યું હતુ. ત્રણેય તાલુકામાં એકમાત્ર આરોગ્યના સાધનો ખરીદી મોટો વેપાર થયો હતો. આ વેપારમાં ટકાવારીનો આંકડો અને ટકાવારીના ભાગલા પણ ખૂબ ચોંકાવનારા હતા‌. ભવિષ્યમાં જવાબદારીનો પ્રશ્ન ઉભો ના થાય તે માટે એકબીજાને ખો આપવા અનેક જગ્યાએ ટકાવારીની આપ-લે થઈ હતી. જાણીએ સમગ્ર અહેવાલ.

નર્મદા જિલ્લાનુ વડું મથક રાજપીપળા છે ત્યારે જિલ્લા આયોજન મંડળ હેઠળ વર્ષ 2021-22 દરમ્યાન ડેડિયાપાડા, સાગબારા સહિતના કુલ 3 તાલુકાની કુલ 6 કરોડની ગ્રાન્ટ વિકાસશીલની જોગવાઈ હેઠળ ખર્ચ કરવાની હતી. વિકાસશીલમા એક તાલુકાને 2 કરોડ મળ્યા હોઈ અત્યંત જરૂરીયાતના એકથી વધુ કામો લેવાને બદલે ત્રણેય તાલુકામાં એક ગૃપે 6 કરોડનો વેપારી વહીવટ પાર પાડ્યો હતો. જો નાના નાના એકથી વધુ કામો થાય તો વેપારી માનસિકતાવાળાને કંઈ ખાસ હાથમાં આવે તેમ નહોતું. આથી ત્રણેય તાલુકામાં એકમાત્ર આરોગ્યના સાધનો ખરીદવા પ્લાન કરી વેપારીને ઠેકો આપી દીધો હતો. વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્લાન હેઠળ વેપારી અને આયોજનવાળાએ ભેગા મળીને સાધનોનુ ખરીદ વેચાણ કરી વિકાસશીલની 6 કરોડની ગ્રાન્ટ વાપરી દીધી. જેમાં ટેન્ડર કરતાં પૂર્વે મોટી તૈયારી પણ થઈ હતી. જે વેપારીએ ટેન્ડર લીધું હકીકતનો વેપારી નહોતો, નામ માત્ર હોવાથી તેનો વહીવટ નાનો હતો પરંતુ પડદા પાછળનો મુખ્ય વેપારી અને સત્તાધિશો વચ્ચે ટકાવારીનો આંકડો ખૂબ મોટો નક્કી થયો હતો. આથી નામ વાળી પાર્ટીએ તેની વહીવટી મેળવી અસલી ખરીદ વેચાણ કરનારા વચ્ચે મોટો ભાવમોલ થયો હતો. જો આ કામની ઉંડાણપૂર્વકની અને અત્યંત પારદર્શક તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થઇ શકે છે. કેટલાક સમય અગાઉ આ બાબતે તપાસની માંગ કરતી અરજી પણ થઈ હતી. જાણીએ આગામી ન્યૂઝ રિપોર્ટમાં.