ગંભીર@શંખેશ્વર: તંત્રની મંજૂરીથી અનેકગણું ગેરકાયદે બાંધકામ તાણ્યું, ટૂંક સમયમાં મોટો ખુલાસો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
તાલુકા મથક અને સૌથી મોટા ગામ શંખેશ્વરની અંદર જનસુરક્ષા સાથે ખિલવાડ અને નિયમો નેવે મૂક્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. કેટલાક વર્ષો પહેલાં મળેલી બાંધકામ મંજૂરી બાદ હવે તાજેતરમાં શરૂ કરેલ બાંધકામના માલિકો અને દેખરેખની જવાબદારી ધરાવતાં વચ્ચેના સંબંધનો મોટો ખુલાસો થયો છે. સ્થાનિક અરજદારે સમગ્ર મામલે આધાર પુરાવા સાથે રજૂઆત કરતાં વિગતો જાણી ગયેલા સત્તાધિશો કાર્યવાહી કરવાને બદલે તરફદારીના વલણમાં આવ્યા છે. જાણીએ કેટલીક વિગતો અને ટૂંક સમયમાં કેવો થાય છે ઘટસ્ફોટ.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના શંખેશ્વર ગામમાં પાલિકાને પણ ટક્કર મારે તેવો ગેરકાયદેસર બાંધકામ અને તેને છાવરવાનો ઘટનાક્રમ સામે આવ્યો છે. કેટલાક વર્ષ પહેલાં શંખેશ્વર બજાર મધ્યે ધાર્મિક શ્રધ્ધાળુઓ માટેના હેતુસર બનાવવા મંજૂરી ગ્રામ પંચાયતે આપી હતી. આ પછી જે ઉંચાઈ સુધીની પરમિશન મળી તેનાથી ખૂબ વધારે પ્રમાણમાં હાઈટ ખેંચી લીધું છે. આ ગેરકાયદેસર બાંધકામ, માપ, મળેલ મંજૂરી સામે સ્થળ ઉપરની હકીકત સહિતની તમામ વિગતો ગ્રામ પંચાયતને જાણ થઈ છે. જોકે ગેરકાયદેસર બાંધકામના આશીર્વાદ મળ્યા હોઈ અથવા કોઈ કારણે આશીર્વાદ આપ્યા હોવાથી કાર્યવાહી નથી. તો સામે લડત આપનાર જાગૃત નાગરિકે તાલુકા પંચાયત અને સંબંધિત કચેરીમાં કાગળો અને સ્થળ ઉપરના ફોટા રજૂ કરી દેતાં મામલો બરોબરનો ગરમાયો છે. વાંચો શું થયું નીચેના ફકરામાં
સૂત્રોએ જણાવ્યું હતું કે, મર્યાદા વગરનું અને દાદાગીરીનો નમૂનો જણાવતું ગેરકાયદેસર બાંધકામ સપાટી ઉપર આવતાં વચગાળાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મામલો વધુ ગરમાય તે પહેલાં અને વચ્ચેના સમયમાં ઠંડુ પાડવા હાલ પૂરતું ગેરકાયદેસર બાંધકામ આગળ વધતું અટક્યું છે. હવે આ ગેરકાયદેસર બાંધકામની જાણ હોવા છતાં સરપંચ, તલાટી કે સંબંધિત ઓથોરિટી તોડે પાળી કે નહિ ? કોઈ ગેરવ્યાજબી ઇરાદો, હેતુ કે આશય ના હોય કે ના થયો હોય તો જાણ થતાંની સાથે કાર્યવાહી થાય તો અહીં સૌથી મોટો સવાલ ઉભો થયો કે, આખાય ગામને દેખાતું આ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કેમ સત્તાધિશો ચૂપ છે તેનો ઘટસ્ફોટ અને ક્યાં છે તમારી સુરક્ષા સામે બેદરકારી તેનો ખુલાસો આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ.