ગંભીર@સુઈગામ: ભરઉનાળે ગ્રામજનો નિયમિત પાણી વિના ત્રાહિમામ્, રજૂઆતો કરી થાક્યા રહીશો

અટલ સમાચાર ડોટ કોમ, સુઈગામ
સુઈગામ તાલુકાના કોઈપણ ગામમાં નિયમિત પાણીની વ્યવસ્થા નથી તેવો દાવો પાણી પુરવઠા એકમ કરી શકે? આ સવાલ એટલા માટે ઉભો થયો કે, સરહદી તાલુકાના ઉચોસણ ગામમાં ભર ઉનાળે પાણીની સમસ્યા હોવાનો દાવો ગામલોકોએ કરી દીધો છે. બે ચાર દિવસે માંડ એકવાર પાણી આવતું હોઈ ગામલોકોની હાલત કફોડી બની છે. આટલુ જ નહિ, જે સમયે પાણી આવે ત્યારે લોટરી લાગી હોય તેવી સ્થિતિ ગામલોકોની દોડધામથી સામે આવી છે. વેરશીભાઈ નામના ગ્રામજને જણાવ્યું કે, તલાટી સહિત અનેક જગ્યાએ વારંવાર રજૂઆતો કરવા છતાં ત્રાહિમામ્ હોવાનું કહ્યું હતુ. જો નિયમિત પાણી મળી રહે તો ખૂબ સારૂં થઈ જાય તેવી આશા રાખી રહ્યા છે. વાંચો સમગ્ર અહેવાલ.
બનાસકાંઠાના જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં પાણીની ગંભીર સમસ્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગામમાં નિયમિત પાણીનો પુરવઠો ખોરવાઈ જતાં ગામલોકોની હાલત દયનીય બનતી જાય છે. વેરશીભાઇએ જણાવ્યું કે, ચાર દિવસમાં માત્ર એકજ કલાક પાણી મળે છે ત્યારે મહિલાઓને ખરી ગરમીમાં દોડવું પડે છે. સ્થાનિક સ્તરે અનેકવાર ટેલીફોનીક અને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી તેમ કહી સમસ્યાને ગંભીર ગણાવી છે. પશુઓને પીવા, ગામલોકોને દૈનિક જીવન જરૂરિયાત સહિતના કામે પાણી અત્યંત આવશ્યક અને નિયમિત જરુરી છતાં પાણી નહિ મળતાં પરિસ્થિતિ ચિંતાજનક બની છે. મંત્રી અને વિભાગના અધિકારીઓ ભલે ગમે તેવો દાવો કરે પરંતુ ઉચોસણ ગામની પાણીની સમસ્યા માટે સ્થાનિક તંત્ર ઊંઘતુ હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઇ છે. વાંચો નીચેના ફકરામાં
ઉચોસણ ગામમાં કેટલાક સમયથી વહીવટદારના ભરોસે ગ્રામજનો નિયમિત પાણી નહિ મળવા સહિતની મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જો સમગ્ર મામલે તાત્કાલિક અસરથી નિયમિત પાણી કેમ નહિ તે બાબતે પારદર્શક તપાસ કરવામાં આવે તેવી લોકોમાંગ ઉઠી રહી છે. ટીડીઓ, મામલતદાર અને પાણી પુરવઠા બોર્ડ ઉનાળામાં નિયમિત પાણી પૂરું પાડવા માટે યોગ્ય પગલે ભરે તેવી માંગણી પણ ઉઠી છે. પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે અનેકવાર રજૂઆતો છતાં પાણી નિયમિત ના મળે તે ગંભીર સમસ્યા કહી શકાય. આ સમસ્યાની એટલા હદે અસર થઈ કે, ગામલોકોને સ્થાનિક તંત્ર ઉપરથી ભરોસો ઉઠી ગયો હોઈ ગામલોકો પ્રાંત અધિકારી અને કલેક્ટર ઉચોસણ ગામની સ્થળ મુલાકાત કરી નિયમિત પાણી પૂરૂં પાડવા આદેશ કરે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.