ગંભીર@તાપી: શાળાઓ અપગ્રેડ ના થઈ છતાં આયોજને 1.87 કરોડોની વાપ્કોસને લ્હાણી કરાવી

 
Tapi
ભ્રષ્ટાચાર અથવા સરકારના કરોડોના કામમાં ઈરાદાપૂર્વકની બેદરકારી છતી થાય છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


તાપી જિલ્લા આયોજન અને વાપ્કોસના કૌભાંડના આ બીજા રીપોર્ટમાં સૌથી વધુ ચોંકાવનારી વિગતો જાણવાં મળે છે. બે વર્ષના રૂપિયા ભેગાં કરીને તાત્કાલિક ખર્ચી દેવા ખુદ આયોજને જ વાપ્કોસને ચૂકવ્યા હતા. શાળાઓ અપગ્રેડ નહિ થઈ તેની જાણ હોવા છતાં આયોજને રૂપિયા 1.87 કરોડ આપ્યા અને વાપ્કોસે લઈ પણ લીધા. આ વાત આક્ષેપ નથી પરંતુ ખુદ આપનાર અને લેનાર સ્વિકારે છે કે, ગ્રાન્ટ પાછી જતી હોય એટલે કરોડોની રકમ આપ/લે કરી દીધી હતી. કામગીરીમાં સંપૂર્ણ વેઠ અને કમ્પ્લિશન સર્ટી વગર સરેરાશ પોણા બે કરોડથી વધુ રૂપિયા ખર્ચી દીધા તે સૌથી મોટો ઘટસ્ફોટ છે‌. જાણીએ શું હતું કામ અને કેવી હતી વહીવટી ડીલ.

તાપી જિલ્લા આયોજન અને કલેક્ટરે નાણાંકીય વર્ષ 2022-23 દરમ્યાન અનેક દરખાસ્ત સ્વિકારી હતી. જેમાં વાપ્કોસ નામના સંગઠને સોનગઢ તાલુકાની સતકાશી, ઉચ્છલ તાલુકાની મોહીની, નિઝર તાલુકાની કોડાદરા અને રૂપમી તળાવ તેમજ કુકરમુંડા તાલુકાની એક મળીને કુલ 5 માધ્યમિક  શાળાને અપગ્રેડ કરવાનું કામ લેવા આયોજનને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તની વિગતો સમજ્યા જાણ્યા વગર તત્કાલીન આયોજન અધિકારી પાંડેએ તત્કાલીન કલેક્ટરને સમજાવી મંજૂર કરાવી હતી. ઢંગધડા વગરની દરખાસ્ત હોવા છતાં એક શાળામાં 37.50 લાખના ખર્ચની ગણતરી કરી કુલ 1 કરોડ 87 લાખ 50 હજારની વહીવટી મંજૂરી આપી દીધી તો સામે વાપ્કોસે ખુશીમાં મેળવી પણ લીધી હતી. હવે આજે ખુદ આયોજન અને વાપ્કોસના મુખેથી પરિસ્થિતિ જાણીએ ચોંકી જશો. વાંચો નીચેના ફકરામાં 

તાપી જિલ્લા આયોજન કચેરીના અમિત મ્હાલેએ જણાવ્યું કે, ""વાપ્કોસને અમોએ વારંવાર પ્રેઝન્ટેશન આપવા કહ્યું છતાં આપતાં નથી, કલેક્ટર મારફતે પણ કહેવડાવ્યું, કામગીરીનો માહિતી પ્રગતિ અહેવાલ પણ નથી મળતો. આ તરફ ગ્રાન્ટ પાછી જાય તેમ હોવાથી અમોએ ચૂકવણું કરી દીધું છે"". આ પછી અમોએ વાપ્કોસના તત્કાલીન ઈજનેર ઉર્વિશભાઈને પૂછતાં જણાવ્યું કે, બે વર્ષનું અત્યારે યાદ નથી. આથી હાલના ઈજનેર તેજસ સોલંકી હોવાથી પૂછતાં જણાવ્યું કે, ""કામગીરી અધૂરી છે પરંતુ આયોજન વાળા વારંવાર મેઈલ મોકલી પેમેન્ટ મેળવી લેવા કહેતાં હતા એટલે પેમેન્ટ આવી ગયું છે જ્યારે કામગીરી અધૂરી છે અને ઘણી જગ્યાએ સીસીટીવી ચાલતાં નથી તેવી ફરિયાદો છે. આ જૂના વખતનું છે પરંતુ મારા પાસે આવ્યું છે."" હવે આ બંનેના કહેવાથી સીધો ભ્રષ્ટાચાર અથવા સરકારના કરોડોના કામમાં ઈરાદાપૂર્વકની બેદરકારી છતી થાય છે. આથી આગામી ત્રીજા ન્યૂઝ રિપોર્ટમાં કોણ છે ભ્રષ્ટાચારનો સૂત્રધાર અને કેવી રીતે થઈ હતી વહીવટી તેનો ઘટસ્ફોટ જાણીશું.