ગંભીર@વલસાડ: પારડી અને ધરમપુર પાલિકાના ટેન્ડરમા કૌભાંડ ડામવા તપાસનું ગોળ ચકર, જાણો મોટો ઘટસ્ફોટ

 
Valsad
કૌભાંડ છતાં આર.સી.એમ વસાવા કેમ સચિવને મજબૂત અને કાર્યવાહી લાયક રિપોર્ટ આપતાં નથી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દક્ષિણ ગુજરાતની વલસાડ જિલ્લાની એક નહિ પરંતુ 2 નગરપાલિકાના ટેન્ડરમા ઈરાદાપૂર્વક બેદરકારી રાખી/રખાવી નાણાંકીય ગેરરીતિને અંજામ આપવાની કોશિશ છતાં બાબુઓ બેફિકર છે. હકીકતમાં આ બંને ટેન્ડર તૈયાર કરતાં પહેલાં એજન્સીઓના આંટાફેરા થયા અને આખરે ખરીદનાર એવી બંને નગરપાલિકાના વહીવટી વડાએ ઓનલાઇન ટેન્ડર અપલોડ કર્યું. હવે અહિંથી ધોળાં દિવસે પણ ખબર પડે એવી સેટિંગ્સબાજી ખુલી પડી છતાં તપાસના નામે ગોળગોળ ચાલી રહ્યું છે. ટેન્ડરની એસ્ટિમેટ બીડ વેલ્યુ ઉપર ભાવ ઓફર થયા, ઝીરો સ્પર્ધા થઈ અને એજન્સીઓ વચ્ચે મિલીભગત થઇ છતાં વર્ક ઓર્ડર અને ઘણું ખરૂં ચૂકવણું પણ થયું. એમાં વળી પારડી નગરપાલિકામા તો ખરીદી પ્રમુખે કરી બોલો. ખરીદનારથી માંડીને આરસીએમ સહિતના જાણતાં હોવા છતાં તપાસમાં નાણાંકીય કસૂરવારોને છાવરવામાં ધમપછાડા લગાવી રહ્યા છે‌. જાણીએ સમગ્ર અહેવાલ.


વલસાડ જિલ્લામાં આવતી 2 નગરપાલિકાનો ટેન્ડર મામલે થયેલ વહીવટ તમે જાણશો તો ચોંકી જશો. ગંભીર અને અતિહદ બેદરકારી થઈ તેમજ સરકારના પક્ષે નાણાંકીય હિતને સંપૂર્ણ બેધ્યાન કરી એકબીજાની મિલીભગતથી મોટી રોકડીનો ખેલ થયો છે. પારડી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર કહે, મને ટેન્ડર વિશે ખબર નથી, બીડ વેલ્યુથી વધારે ભાવ એજન્સીઓએ જાણીજોઈને ભર્યા છતાં વર્ક ઓર્ડર થયો. આટલું જ નહિ, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર બાયર તરીકે કર્મચારી કે અધિકારી નહિ પરંતુ પ્રમુખે ખરીદી કરી. એજન્સીઓએ ભેગાં મળીને કમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાની જોગવાઈઓ તોડી, ઉદ્યોગ કમિશ્નર કચેરીના નિયમો દરકિનાર કર્યા છતાં તપાસનું ચક્ર ફરી રહ્યું છે. રિજીયોનલ કમિશ્નર ઓફ નગરપાલિકા, સુરતના વસાવા એક જ ટેપ વગાડે છે કે, અહેવાલ આવશે, અહેવાલ મોકલશુ પરંતુ કોઈ કાર્યવાહી નહિ કરવા જોર લગાવી રહ્યા છે. વાંચો નીચેના ફકરામાં.


પારડી નગરપાલિકા ટેન્ડર નં. GEM/2025/B/6895653 મામલે સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે રિજીયોનલ કમિશ્નર ઓફ નગરપાલિકા હેઠળના ડેપ્યુટી કલેક્ટર આર.સી પટેલ કહે છે કે, કાગળ ઉપર બધું હોય તો તપાસ કમિટી કેમ બને, સીધો રિપોર્ટ બની શકે છે. આટલું જ નહિ, તત્કાલીન ચીફ ઓફિસર તો ટેલિફોનિક એવું બોલી ચૂક્યા છે કે, મને ટેન્ડરની જાણકારી નથી અને પ્રમુખ બોલે છે કે, બધા કરાર આધારિત છે એટલે મારા નામે ખરીદી કરી. હવે સવાલ થાય કે, કૌભાંડ છતાં આર.સી.એમ વસાવા કેમ સચિવને મજબૂત અને કાર્યવાહી લાયક રિપોર્ટ આપતાં નથી? વાંચો ધરમપુર પાલિકાના ટેન્ડર વિશે નીચેના ફકરામાં.


ધરમપુર પાલિકાના ટેન્ડર નં. GEM/2025/B/6956158 બાબતે પણ સરકારના નાણાંકીય હિતને બદલે ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસનો દૂરૂપયોગ કરી એજન્સી અને બાયરે મિલીભગત આચરી છે. એસ્ટિમેટ બીડ વેલ્યુની અંદર ભાવ સ્પર્ધા કરવા અને કરાવવાને બદલે પારડી નગરપાલિકાની જ એજન્સીઓએ અહિં ધરમપુર પાલિકા જેવું કર્યું છે. કોઈપણ સ્પર્ધા વગર ટેન્ડરની આર.એ પ્રક્રિયા પૂર્ણ કરી સેટિંગ્સ હોવા છતાં વર્ક ઓર્ડર આપી/અપાવી તાત્કાલિક પેમેન્ટ મેળવવા દોડધામ કરી છે. ધરમપુર પાલિકાના અતિ હોશિયાર ચીફ ઓફિસર કહે છે કે, અમે શું કરીએ, બધું ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર થાય છે. જુઓ આ ચીફ ઓફિસરની સમજણ અને સરકારના અહિતમાં ઈરાદાપૂર્વકનું અજ્ઞાન. સીઓજી, ઓનલાઇન પોર્ટલ માત્ર પ્લેટફોર્મ છે પરંતુ પ્લેટફોર્મનો દુરૂપયોગ અને બનાવટી ભાવ હરિફાઈ નથી દેખાતી? 


સમગ્ર મામલે વિભાગના સચિવ મેડમ ખૂબ જ પ્રામાણિક હોઈ નિષ્પક્ષ તપાસ અહેવાલ મંગાવવા હુકમ કર્યો છે પરંતુ એજન્સી, બાયર અને આર.સી.એમ સહિતના કોઈપણ સંજોગોમાં કાર્યવાહીનો રિપોર્ટ ના થાય તેની જો મથામણ કરતાં હોય તો પણ કાગળો ઉપરનુ, ઓનલાઇન દેખાતું અને અન્ય પાલિકાના સમાન ટેન્ડર સહિતની વિગતો સાર્વજનિક હોઈ કોઈપણ સંજોગોમાં નાણાંકીય અહિતનો મામલો છુપાવવો અતિ મુશ્કેલ છે. આટલુ જ નહિ, રાજ્યના ખૂબ પ્રામાણિક અને મૃદુ નાણાંમંત્રી પણ અહિંથી આવતાં હોઈ કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર કે સેટિંગ્સબાજી ચલાવશે નહિ ત્યારે ભ્રષ્ટાચારીઓ મંત્રી સમક્ષ જાય તો પણ કયા મોઢે તે સૌથી મોટો સવાલ છે.