ગંભીર@વલસાડ: જિલ્લા શિક્ષણના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર કોણ કરી ગયું? તપાસ કરતાં કોને ડર ?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
વલસાડ જિલ્લા શિક્ષણ કચેરી હેઠળ નાણાંકીય વર્ષ 2024-25 દરમ્યાન થયેલા ટેન્ડરમાં સેટિંગ્સ ડોટ કોમ હતું તેનો અહેવાલ અગાઉ થયો છે. આ કામ, ગ્રાન્ટ, વિગતો સહિત જિલ્લા માધ્યમિક શિક્ષક કચેરીને ધ્યાને દોરવા છતાં તપાસ નહિવત્ છે ત્યારે ગંભીર સવાલો ઉભા થાય છે. કૌભાંડની ટૂંકી મોડસ ઓપરેન્ડી જોઈએ તો શાહ બંધુઓને પૂર્વ આયોજિત રીતે ટેન્ડરનો ઠેકો આપવા રચના કરીને સરેરાશ 20 લાખનો વેપાર શાહબંધુઓની એજન્સી સાથે કર્યો હતો. વિકાસશીલ તાલુકાઓની ગ્રાન્ટ હેઠળ સાયન્સ લેબ માટેનું મટીરીયલ સંભવ એન્ટરપ્રાઈઝ નામે એજન્સી પાસેથી ખરીદવામાં આવ્યું હતુ. જેમાં ટેન્ડરમાં નિષ્પક્ષ શરતો, નિષ્પક્ષ હરિફાઈ, નિષ્પક્ષ ટેકનિકલ ચકાસણી અને નિષ્પક્ષ વર્ક ઓર્ડરનો ભયંકર અભાવ રહ્યો હતો. જો આ સમગ્ર ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણ નિષ્પક્ષ થઈ હોત તો સરકારી કામની પારદર્શકતા વધવા સાથે ઓછી રકમમાં ખરીદી પણ શક્ય બની હોત. આ બાબતો તાત્કાલિક અસરથી તપાસ માટે જરૂરી છતાં વલસાડ જિલ્લા શિક્ષણ કચેરીના સત્તાધિશો કેમ તપાસને અડતાં નથી તે જાણીએ.
વલસાડ જિલ્લા આયોજન મંડળે વિકાસશીલ તાલુકાઓની યોજના હેઠળ સરેરાશ 20 લાખની વહીવટી મંજૂરી સપ્ટેમ્બર 2024 માં જિલ્લા શિક્ષણ કચેરીને આપી હતી. આ વહીવટી મંજુરી બાદ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ટંડેલ મેડમના વડપણ હેઠળ કર્મચારીઓની ટીમે જે ખરીદ પ્રક્રિયા કરી તેમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ છે. માંડવા ગામે આવેલ મોડલ શાળામાં સાયન્સ લેબ માટેનો સામાન ખરીદવા ટેન્ડરમા પૂર્વ આયોજિત થયાની શક્યતા ખૂબ છે. કેમ કે રિવર્સ ઓક્શન છતાં 20 લાખનો માલસામાન પૂરા 20 લાખના ભાવે ખરીદાયો. આ એજન્સી સમીર શાહની હોવાનું જિલ્લા શિક્ષણના કર્મચારીએ કહ્યું પરંતુ પોતાના સમય અગાઉનુ કહી તપાસથી બચાવ લીધો છે. જો આ ટેન્ડર પ્રક્રિયાની સંપૂર્ણ નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થાય તો એજન્ટો અને ભ્રષ્ટોની મિલિભગતનો મોટો ખુલાસો થાય તેમ છે. આટલુ જ નહી સરકારનાં વિકાસ કામો માટેના ટેન્ડરોમા વિવિધ કચેરીઓમાં જઈ સેટિંગ્સ પાડતાં શાહ બંધુઓનુ અબજોનુ કૌભાંડ ઝડપાઈ શકે છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તો એકમાત્ર ઉદાહરણ છે પરંતુ વલસાડના અન્ય કેટલાય કામોમાં પૂર્વ આયોજિત સેટિંગ્સ પાડી ઈરાદાપૂર્વક વર્ક ઓર્ડર આપવા/લેવાની અને ટકાવારી આપ/લે કરવાની મોડ્સ ઓપરેન્ડીથી સરકારને કરોડો રૂપિયાની નુકસાની આપી છે. જો વલસાડ જિલ્લા કલેક્ટર વહીવટી મંજૂરી નં. 389ની ખરીદ બાબતે તપાસ કરાવે તો તેનો જે ખુલાસાઓ થાય તેનો રેલો અન્ય કેટલાય કામોને થાય તેમ છે એટલે જે કચેરીએ ટેન્ડર કર્યું છે તેઓ પણ તપાસના નામે કંઈ કરતા નથી. આ બાબતે જિલ્લા આયોજન અથવા ગાંધીનગર સ્થિત શિક્ષણ કમિશ્નરની કચેરી પણ તપાસમાં ઉતરી જાય તો કોણે કેવીરીતે સત્તાની ઉપરવટ જઈ કૌભાંડને અંજામ આપ્યો તેનો પણ ભાંડો ફૂટી શકે તેમ છે.