ગંભીર@ભિલડી: આરોગ્ય કેન્દ્રની બાજુમાં ગંદું તળાવ, જવાબદારી ધ્વસ્ત
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)
કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે ભિલડીમાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. ભિલડી સામુહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય દરવાજા આગળ ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાથે મુખ્ય દરવાજા આગળ ચાર મીટર ઉંડાઇના ગટરલાઇનમાં બે વિઘા જમીનમાં ગટરલાઇનનું પાણી ભરાયેલુ જોવા મળ્યુ છે. જેને લઇ મચ્છરોના ઉપદ્રવને કારણે સામુહીક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓના આરોગ્ય બાબતે ગંભીર સવાલો ઉભા થયા છે. આ સાથે આરોગ્ય કેન્દ્રની બાજુમાં ગંદુ તળાવ હોવાથી જવાબદારી ધ્વસ્ત થઇ હોવાની સ્થિતિ બની છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના ભિલડી સામુહિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં ગંદુ તળાવ હોવાનું સામે આવ્યુ છે. કોરોના વાયરસને લઇ આરોગ્યની સંભાળ રાખવામાં આવી રહી છે. આ તરફ બનાસકાંઠાના નેશનલ હાઇવે નંબર 27 ઉપર આવેલા ડીસા તાલુકાના ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર જે ભીલડીથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. જેના મુખ્ય દરવાજા આગળ ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર મામલે રતનપુરા સરપંચને પૂછવામાં આવતા આ પાણી નવી ભીલડીની ગટર લાઈનનું પાણી હોવાનું જણાવ્યુ હતુ.

સમગ્ર મામલે રતનપુરાના ગ્રામજનોને પુછતાં જણાવ્યુ હતુ કે, આ મહામારીમાં લોકડાઉનના કારણે બહાર પણ નીકળી શકતા નથી અને મચ્છરોના ત્રાસને કારણે અમારે ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. કેટલીય વાર સ્થાનિક લોકો દ્વારા રજુઆતો કરી છે. પરંતુ એ રજૂઆતો અભરાઈ ઉપર ચડી ગઈ હોય એવું લાગે છે. આ ગંદકીના સામ્રાજ્યનો અંત ક્યારે દૂર કરાશે ? સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર સાથે ટેલીફોનિક વાત કરતા એમને પણ જણાવ્યું કે, અમે પણ ત્રાહીમામ છીએ આ ગંદકીથી. પણ શું કરીએ ? અહીં આરોગ્ય કર્મચારીઓના રેસિડેન્ટ પણ આવેલા છે ત્યારે હવે અહીં બીમાર વ્યક્તિ સાજા થવા માટે આવતા હોય છે ત્યારે શું આવી ગંદકીથી સાજા થાય ખરા ? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યુ કે, ક્યારે તંત્ર જાગીને આ ગંદકીના સામ્રાજ્યને દૂર કરશે ?

