ગંભીર@રાજપીપળા: વેપારી અને અધિકારીના ભ્રષ્ટાચારની તપાસમાં કાર્યવાહી વિલંબમાં, સચિવનો પત્ર છતાં....

 
Rajpipla
અહેવાલ જો પારદર્શક અને તટસ્થ હશે તો મોટી કાર્યવાહી થાય તેવી પ્રબળ શક્યતા છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


નર્મદા જિલ્લામાં 2 વેપારી ઈસમોએ લગભગ મોટાભાગની સરકારી ગ્રાન્ટમાં વેપારી ઘૂસ મારી ભરડો લીધો છે. આ ભરડાના ભાગરૂપે વેપારી અને અધિકારીની ભાગભટાઇ વચ્ચે નાણાંના નાટકોનો ખેલ ઘણા વર્ષોથી ચાલ્યો પરંતુ હવે ઉઘાડો પડવા ઉપર આવ્યો છે. કહેવત છે કે, પાપ ગમે ત્યારે છાપરે ચડીને પોકારે એમ રાજપીપળા સ્થિત ટ્રાયેબલની 1.40 કરોડની ગ્રાન્ટમાંથી જે બારોબારીયુ થયું તેનો ઘટસ્ફોટ થવા જઈ રહ્યો છે. રજૂઆત ફરિયાદ ગંભીર હોવાથી ખુદ મંત્રીએ પત્ર લખી તાત્કાલિક તપાસ રિપોર્ટ કરવા કહ્યું પરંતુ હજુસુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તાપી જિલ્લામાં કૌભાંડી ટોળકીના લીધે 4 ઈજનેરો સસ્પેન્ડ થયા હવે રાજપીપળામાં 1.40 કરોડની ગેરરીતિ સત્તાધિકારીએ છેવટે તો વેપારી જોડીની વાતમાં આવીને કરી દીધી છે. હવે વેપારી જોડી છટકવા માટે હવાતિયાં મારી રહી પરંતુ જો તપાસ રીપોર્ટ મજબૂત હશે તો ગાળિયો ફસાઇ શકે છે. જાણીએ કોણ કેવી રીતે કરી રહ્યું વિલંબ


નર્મદા જિલ્લામાં આવેલી આશ્રમશાળા, આદર્શ નિવાસી શાળાઓમાં બંકબેડ અને બેડીંગ સેટની બોગસ અને જોગવાઈ વિરૂદ્ધની ખરીદ પ્રક્રિયા મામલે સનસનીખેજ આક્ષેપ સાથેની ફરિયાદ થયેલી છે. આ ફરિયાદ જોઈ આદીજાતી વિકાસ વિભાગના મંત્રીના સચિવે નિયામકને તુરંત હકીકત લક્ષી અહેવાલ તૈયાર કરી મોકલવા કહ્યું છે. આ અહેવાલ જો પારદર્શક અને તટસ્થ હશે તો મોટી કાર્યવાહી થાય તેવી પ્રબળ શક્યતા છે. આથી તપાસ કરનાર અધિકારી કામનો બોજ હોવાનું કહી વારંવાર વિલંબ કરી રહ્યા અને રજૂઆત કરનારનું નિવેદન લેવાનું કોઈ જરૂર નહિ છતાં મામલો ઠંડો પાડતા રહ્યા. હવે જ્યારે હકીકતલક્ષી અહેવાલ તૈયાર થયો કે કેમ અને પહોંચ્યો કે કેમ તે સવાલ છે પરંતુ 1.40 કરોડની ખરીદીમાં હદ વટાવી દેતી ગેરરીતિમાં કૌભાંડી વેપારી ટોળકીને બચવા અવસર મળી રહ્યો છે.  વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 1.40 કરોડોની ખરીદીમાં કોઈપણ જાતની પારદર્શકતા નથી, સરકારના નાણાંકીય હિતોનો સરેઆમ ભંગ છે, કોઈ ખરાઇ કે ક્રોસ ચેકીંગ પણ નહોતું કર્યું અને મનફાવે તેમ વેપારી ટોળકીના પ્રલોભન અને એકબીજાના મેળાપીપણામાં 1.40 કરોડની ખરીદી કરવામાં આવી હતી. જો આ ખરીદીની તપાસમાં એક એક વિષયની ઉંડાણપૂર્વકની તપાસ થાય, ઉદ્યોગ કમિશ્નરની વખતોવખતની સુચનાઓ પાળી કે નહિ તે જોવામાં આવે, એકપણ વસ્તુ વધારાની ખરીદાઈ કે નહિ તેની ખૂબ જ તટસ્થ તપાસ થાય તો કૌભાંડી ટોળકીનો પર્દાફાશ થાય અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લામાં કરેલ ભ્રષ્ટાચાર પણ બહાર આવે તો નવાઇ નહી. સમગ્ર મામલે મંત્રી કક્ષાએથી સુચના છતાં તપાસ અને કાર્યવાહી ક્યારે તે સૌથી મોટો સવાલ છે.