ગંભીર@સાબરકાંઠા: વનવિભાગના ટ્રી ગાર્ડ ખરીદીમાં પૂર્વ આયોજિત કૌભાંડ, અધિકારી અને વેપારીની મિલીભગત?!

 
Sabarkantha
ભ્રષ્ટાચાર અને પૂર્વ આયોજિત સેટિંગ્સ કોણે કર્યું તે તપાસનો વિષય

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સાબરકાંઠા જિલ્લા વનવિભાગની કામગીરી ઉપર મહેસાણા સીએફ જ નહિ પરંતુ અરણ્ય ભવને તાત્કાલિક સારવાર વોચ ગોઠવવી પડે તેવી સ્થિતિ બનતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હિંમતનગર સ્થિત નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણની કચેરી દ્વારા ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી ખરીદવામાં આવેલ ટ્રી ગાર્ડ મામલે ઈરાદાપૂર્વકનો ભ્રષ્ટાચાર અથવા મૂર્ખામી સાથે સરકારના નાણાંકીય હિતોને દરકિનાર કર્યા છે. ટેન્ડરમા ટેકનિકલ ચકાસણી બાદ ભાવોની હરિફાઈ થઈ જ નહિ અને ઈરાદાપૂર્વક બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કર્યા ત્યારે બનાવટી રિવર્સ ઓક્શનને માન્ય ગણી લેવામાં આવ્યો હતો. ડીસીએફ ગઢવીને શરૂઆતમાં ધ્યાને મૂકતાં બોલ્યા કે, ખોટું હશે તો ટેન્ડર રદ્દ કરશુ પરંતુ કેવીરીતે બનાવટી સ્પર્ધા છતાં ચોક્કસ એજન્સીને કામ આપ્યું તેનો અહેવાલ જાણીએ.


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ ડીસીએફ, સામાજીક વનીકરણ કચેરીના સત્તાધીશોએ ટ્રી ગાર્ડ ખરીદીના ટેન્ડરમા ભ્રષ્ટાચારનો દાખલો બેસાડ્યો હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર 8000 ટ્રી ગાર્ડનુ ટેન્ડર કર્યું ત્યારે તેની ઈએમડી રૂ.2,64,000 હતી. હવે આ ઈએમડી રકમ ત્રણ ટકા હોય ત્યારે બીડ વેલ્યુ સરેરાશ રૂ. 88 લાખ થાય એટલે કે ખરીદનારે 88 લાખ રકમની અંદર વેપારીઓ વચ્ચે પારદર્શક સ્પર્ધાથી ખરીદી કરવાની થાય. હવે અહિંયા ભ્રષ્ટાચાર અને પૂર્વ આયોજિત સેટિંગ્સ કોણે કર્યું તે તપાસનો વિષય એટલા માટે બને કે, ટેન્ડર પ્રક્રિયા દરમ્યાન 4 એજન્સી આવી ત્યારે કચેરીના સત્તાધીશોએ ડોક્યુમેન્ટ ચકાસી 2 એજન્સીને અમાન્ય કરી. હવે અહિંથી શરૂ થાય છે ભ્રષ્ટાચાર અને કૌભાંડની પૂર્વ લીલાનો ખેલ, વાંચો નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરના આ ટેન્ડરમાં ટેકનિકલ ચકાસણી બાદ બાયરે એટલે કે નાયબ વન સંરક્ષક સામાજીક વનીકરણની કચેરીના સત્તાધીશોએ આર.એ પ્રક્રિયા શરૂ કરી ત્યારે 2 એજન્સીએ બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કર્યા અને ટૂંક જ સમયમાં રિવર્સ ઓક્શન પૂર્ણ કર્યું. રૂ. 88 લાખનું ટેન્ડર અને ભાવ આવે એલ1 ના રૂ.95,44,000 અને એલ2ના રૂ. 1,01,60,000. આ બાબતે એવું થયું કે, એજન્સીઓએ જાણીજોઈને બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કર્યા તેના કારણો તેમના પોતાના હોઈ શકે. આ તરફ બાયરે અનેક અભ્યાસ કરીને જ્યારે રૂ.88 લાખનુ ટેન્ડર તૈયાર કર્યું હોય તો શું ટેન્ડર બનાવવામાં ચૂક કરી હતી તેમ માની શકાય? ઓનલાઇન પોર્ટલ ઉપરની પ્રક્રિયાથી એક વાત સ્પષ્ટ થાય કે, એજન્સીઓ વચ્ચે કોઈપણ જાતની ભાવ હરિફાઈ એટલે કે આર.એ સ્પર્ધા થઇ જ નહિ. તો એજન્સીઓએ રિંગ કરી હતી? બાયર અને સેલર મળીને બીડ વેલ્યુ ઉપર વર્ક ઓર્ડર થવા દેવો તેવું હતું?? રૂ. 88 લાખમાં 8000 ટ્રી ગાર્ડ ઓનલાઇન પોર્ટલ ઉપરથી મળવા અશક્ય હતા ? જો અશક્ય હતા તો ટેન્ડર તૈયાર કરનારે કોઈપણ અભ્યાસ વગર જ રૂ.88 લાખનું બીડ અપલોડ કરી દીધું?? જાણીએ આગામી ન્યૂઝ રીપોર્ટમાં.