ગંભીર@વલસાડ: મહિલા વન અધિકારી શોષણ કરતાં હોવાની મંત્રીને ફરિયાદ, તપાસમાં લીધા નિવેદનો

 
વલસાડ
રોજમદારોએ ફરજમાં શોષણ થતું હોવાની ફરીયાદ કરતાં ચકચાર મચી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


વલસાડ વનવિભાગના ઉત્તર ડીવીઝનમા શું બધું બરાબર ચાલે છે ? રોજમદારો નિર્વિઘ્ને ફરજ બજાવી રહ્યા છે કે કોઈ શોષણ કરી રહ્યું? ઉત્તર વલસાડ વનવિભાગના મહિલા ડીસીએફ વિરૂદ્ધ તાબા હેઠળના રોજમદારોએ ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ કરતાં હડકંપ મચી ગયો છે. એક નહિ પરંતુ અનેક જગ્યાએ એકસામટી ફરિયાદ થતાં તપાસ પણ કરવામાં આવી છે. ફરીયાદ કરનારા રોજમદારો કહે છે, શોષણ થાય છે ત્યારે સીસીએફ વલસાડ દ્રારા તપાસના આદેશ થયેલા છે. જાણીએ સમગ્ર અહેવાલ.


દક્ષિણ ગુજરાત વનવિભાગના ક્ષેત્રમાં ખૂબ હરિયાળી છે પરંતુ આ સમાચાર રીપોર્ટ હરીયાળીમાં જેની પાયાની ભૂમિકા છે તેઓની વેદના જણાવવા માટે છે. ઉત્તર વલસાડ વનવિભાગના મહિલા ડીસીએફના તાબા હેઠળ અનેક રોજમદારો ફરજ બજાવે છે ત્યારે કેટલાક રોજમદારોએ ફરજમાં શોષણ થતું હોવાની ફરીયાદ કરતાં ચકચાર મચી છે. રોજમદારોનો આક્ષેપ છે કે, કાગળ ઉપર ફરજ અન્ય જગ્યાએ છે અને ડીસીએફ પોતાનાં બંગલે ખોટી સેવા કરાવે છે. કચરા પોતું, રસોઈ અને ચોકીદારી કરાવે છે અને કાગળ ઉપર ફરજ અન્ય જગ્યાએ છે. આવી સ્થિતિમાં છેલ્લો ઘણાં સમય વીતાવ્યા બાદ રોજમદારો તોબા પોકારી છેક મુખ્યમંત્રીને ફરીયાદ કરી છે.

આ ગંભીર ફરિયાદ હોવાથી તપાસ અધિકારી કમ દક્ષિણ વલસાડ ડીસીએફને પૂછતાં જણાવ્યું કે, હા તપાસ કરી હતી અને એકવાર રીપોર્ટ પણ સરકારમાં આપેલો છે. જોકે તપાસ રિપોર્ટ વિશે કંઈ જ જણાવ્યું ના હતુ. આ તરફ જેના વિરૂદ્ધ આક્ષેપ છે તે મહિલા ડીસીએફને પૂછતાં વારંવાર કામમાં હોઈ જવાબ આપવાનું ટાળ્યું હતુ. રોજમદાર વર્ગનાએ જણાવ્યું કે, એકસાથે 8થી વધુ કર્મચારીએ ફરીયાદ કરી છે અને નિવેદનો પણ લેવાઇ ગયા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. રોજમદારોમાં પણ વ્હાલા દવલા થઈ રહ્યા છે તેમાં માનીતા રોજમદારોને ટેબલ ઉપરની મલાઈદાર ફરજ મળે છે જ્યારે આક્ષેપ કરનાર રોજમદારો પાસેથી 24 કલાક સફાઇ સહિતના કામો કરાવવામાં આવી રહ્યા છે. વાત આટલી નથી એટલે હવે આગામી ન્યૂઝ રિપોર્ટમાં વધુ એક ઘટસ્ફોટથી ચોંકાવનારી સ્થિતિ બની શકે.