આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર

કોરોના કહેર વચ્ચે ડેપ્યુટી કલેકટર તેમજ રેવન્યુ અધિકારીની ઓળખ આપી 260 જેટલા યુવાનો પાસેથી નોકરી અપાવવાના બહાને રૂ. 70થી 80 લાખ પડાવનારા ઇસમો ગાંધીનગરથી ઝડપાયા છે. ઇન્ફોસીટી પોલીસે નવસારીની યુવતી સહિત પાંચ ઈસમોને ગાંધીનગરની સરગાસણમાં આવેલી હોટલમાંથી પૂર્વ બાતમીના આધારે ઝડપી લીધા છે. આ સાથે ઝડપાયેલા ઇસમોની વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ તરફ તમામ ઇસમો સામે ઇન્ફોસિટી પોલીસ મથકે આઇપીસી કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરની ઇન્ફોસિટી પોલીસે ચોક્કસ બાતમી આધારે સરગાસણ ચાર રસ્તા પાસે પ્રમુખ ટ્રેનઝન કોમ્પલેક્ષમાં આવેલ સ્લીપ ઇન હોટલમાં તપાસ કરી હતી. જ્યાં ડેપ્યુટી કલેકટર વલસાડ તથા અન્ય રેવન્યુ અધિકારીની ઓળખ આપીને ગુજરાતના યુવકોને છેતરી લેતી ગેંગ ઝડપાઇ હતી. હોટલનું રજીસ્ટર ચકાસતા રૂમ નંબર 501મા હેતવી એસ પટેલ તથા નીરજકુમાર ગરાસીયા રોકાયાં હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં પોલીસે આખી હોટલને કોર્ડન કરી લઈ રૂમમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે રૂમ નં. 502માં કુણાલ શૈલેષ મહેતા તેમજ બંસીલાલ ચીમનભાઈ પટેલ પણ મળી આવ્યા હતા. આ બંને ઈસમોની પૂછતાંછ કરતાં તેઓ પટાવાળા તરીકે હેતવી તેમજ નીરજકુમારની સૂચના મુજબ કામગીરી કરતા હોવાની કબૂલાત કરી હતી.

સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષક એમ.કે.રાણાએ જણાવ્યું હતું કે, હોટલના રૂમની તલાશી લેતા ચારેય જણાના ડેપ્યુટી કલેકટર, આરોગ્ય અધિકારી, મામલતદારનાં હોદ્દા ધરાવતા બનાવટી આઈકાર્ડ મળી આવ્યા હતા. જેનાં પગલે હેતવી સંજયભાઈ પટેલ તેમજ નીરજકુમાર રમેશભાઈ ગરાસીયા, કુણાલ મહેતા, બંસીલાલ પટેલ, તેમજ પ્રણવ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મંડળી પાસેથી હાલમાં નોકરીની લાલચમાં ભોગ બનનાર 80 જેટલા ઉમેદવારોના જુદાજુદા હોદ્દા ધરાવતા ખોટા નિમણૂક પત્રો, આઈકાર્ડ, સરકારી સિક્કા, રજીસ્ટરો, લેપટોપ, મોબાઈલ ફોન તેમજ મોમેન્ટો અને ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ના બનાવટી લેટરપેડ તથા ઉમેદવારોના બાહેધરી પત્રકો વગેરે સાહિત્ય મળી આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં આ મંડળીએ ગુજરાતના 260 જેટલા યુવાનો પાસેથી નોકરી અપાવવાના બહાને રૂ. 30થી 40 હજાર ઉઘરાવી લીધા છે. જેનો આંકડો રૂ. 70થી 80 લાખની આસપાસ થવા જાય છે. જે અંગે વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ ઇસમો પાસેથી રૂ.2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ ઇસમો વિરૂધ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકે આઇપીસી કલમ 406, 420, 170, 465, 468, 471, 473, 34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code