ઘટસ્ફોટ@ફતેપુરા: બોગસ કચેરીનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, તમારા નેતા જ મુખ્ય સૂત્રધાર

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા, સંજેલી, લીમખેડા સહિતના વિવિધ તાલુકાઓમાં નકલી કચેરી, નકલી કચેરીની બૂમરાણ વચ્ચે આજે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સૌથી પહેલાં ફતેપુરા તાલુકામાંથી સામે આવેલ વિડિયોના અનેક સમાચાર અહેવાલ આવ્યા પરંતુ આજે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા જાણીને ચોંકી જવાય તેવો ઘટસ્ફોટ થાય છે. અસલી તાલુકા પંચાયતમાં કંઈ ખોટું કરી શકાય તેમ ના હોવાથી ખુદ તમારા નેતાજીએ જનતાથી ખાનગીમાં પેરેલલ તાલુકા પંચાયત ઉભી કરવા કાંડ રચ્યો હતો. નાણાંપંચ, મનરેગા, શૌચાલય સહિતના બોગસ કામો માત્ર કાગળ ઉપર બતાવી અસલી તાલુકા પંચાયતમાં લાવી ગ્રાન્ટ ખેંચી લેવા આખો ખેલ ચાલતો હતો. તાલુકા પંચાયતનુ હિત સાચવવાની જેની સૌથી પહેલી જવાબદારી બને તેવા કહેવાતા નેતાજીના દોરીસંચારથી સ્પેશિયલ ફાઇલો માટે જગ્યા રાખી હતી. આ તો અચાનક કોઈ કામથી મહિલા આગેવાન સાથી નેતાજીને મળવા ગયા તેમાં પેરેલલ પંચાયતથી ઉભા કરવામાં આવતો બોગસ કામોનો પિટારો ઝડપાઇ ગયો છે. જાણીએ ઉંડાણમાં કે, કોણ અને કેવી રીતે ચલાવતું હતું આ બોગસ કામોનો વહીવટ.
સૌપ્રથમ છોટાઉદેપુર અને પછી દાહોદ જિલ્લામાં સામે આવેલી નકલી કચેરીની ભલે તપાસ ચાલતી હોય પરંતુ તેની અવળી અસર થઈ છે. નાના કૌભાંડીઓને અગાઉ ખબર નહોતી પરંતુ જ્યારથી નકલી કચેરીનો ભાંડો ફૂટ્યો એટલે "અસલી કચેરીના બોગસ કામો" કરવા પેરેલલ ખાનગી ઓફિસ ખોલી દીધી છે. ફતેપુરા તાલુકામાં વાયરલ થયેલો વિડિયો હકીકતમાં "નકલી કચેરી વાળો" નથી પરંતુ ખુદ મોટાગજાના નેતાજીએ બોગસ કામોને અસલી કાગળમાં ઉતારવા પેરેલલ તાલુકા પંચાયત ઉભી કરી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. ફતેપુરા વિસ્તારના મહિલા આગેવાન કોઈ કામથી તાલુકા પંચાયતના સભ્યને મળવા ગયા હતા જે સરનામે જવાનું થયું ત્યાં આંખો ફાટી જાય તેવો નજારો હતો. વાંચો નીચેના ફકરામાં.
સ્થાનિક મહિલા નેતા તેમના જૂના હિસાબના કામે તાલુકા પંચાયત સભ્યને મળવા ગયા તે જગ્યા હકીકતમાં કોઈ બેઠક નહોતી. ખુદ તાલુકા પંચાયતના સૌથી મોટા આગેવાને "બોગસ કામોને અસલી કામોમાં ફેરવવા" બનાવેલી એકદમ ખાનગી જગ્યા હતી. આ જગ્યાએ નકલી કામો માટે અસલી કાગળોની ફાઇલ તૈયાર થાય અને પછી ગ્રાન્ટ આવે ત્યારે આ બોગસ કાગળો અસલી તાલુકા પંચાયતમાં લવાય અને સૌથી મોટા નેતાજીની સુચનાથી આગળની કામગીરી થાય. વાંચો નીચેના ફકરામાં કેવી રીતે થયો ઘટસ્ફોટ.
જે મહિલા નેતા તેમના કામથી જે જગ્યાએ ગયા હતા ત્યાં અગાઉથી બેથી વધુ મોટા રાજકીય નેતા બેઠા હતા. આ જગ્યાએ શું કામો થાય છે અને કોણ શું કરે તેની કોઈ માહિતી મહિલા નેતાને નહોતી. હવે જ્યારે મહિલા નેતા આ ખાનગી જગ્યાએ પહોંચે ત્યારે સુરક્ષા માટે કોઈએ વિડિયો કરતાં નેતાજીનો અસલી ચહેરો ખુલો પડ્યો છે. અહીં તાલુકા પંચાયતની જેની રખેવાડી કરવાની છે અને જનતાની સેવા કરવાની છે તેવા નેતાજી અને તેમનાં માણસો બેઠાં હતા. તેઓની નજર સમક્ષ વિવાદીત ઈસમ કે, તે ઈસમ અગાઉ તાલુકા પંચાયતમાં જ ફરજ બજાવતો તે પણ હતો. આ ઈસમ નેતાજીની સુચના મુજબ બોગસ કામોની ફાઇલ તૈયાર કરતો/કરાવતો અને અહીંથી આવી ફાઇલો ઉપર પેમેન્ટ કરાવવા ખુદ નેતાજી હુકમ કરાવતા. હવે જ્યારે વિડિયોથી હડકંપ મચ્યો ત્યારે થોડાં સમય માટે નેતાજીએ આ ખાનગી જગ્યાએ હલચલ બંધ કરાવી છે.
સૌથી મોટી વાત પણ જાણો.
આ ખાનગી જગ્યા કોની છે, કયા નેતાએ અહીં કોમ્પ્યુટર સેટ ઉભો કર્યો, કયો ઈસમ બોગસ કામોની ફાઇલ બનાવતો, કયા નેતાજી આ જગ્યા અને બોગસ કામોના સૂત્રધાર છે, કયા કયા નાના મોટા નેતા અહીં બેઠા હતા તે તમામનો ખુલાસો પણ ટૂંક સમયમાં જાણવાં વાંચતા રહો અટલ રીપોર્ટ