ઘટસ્ફોટ@બારીયા: નાડાતોડમાં મનરેગાના કરોડોના કામમાં મોટો ખુલાસો, આ વસ્તુ ગાયબ અથવા કામો જ ગાયબ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દેવગઢબારિયા તાલુકાના નાડાતોડ ગામમાં કરોડોના ખર્ચે થયેલા મનરેગાના કામો વિરુદ્ધ ગંભીર સવાલો સાથેની ફરિયાદ છે ત્યારે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ફરિયાદ ઉપર તાલુકા પંચાયતે સંપૂર્ણ તપાસ કરી નથી પરંતુ એક બાબત એવી સામે આવી કે, ભ્રષ્ટાચારનું પ્રમાણ બની શકે છે. મનરેગાના જે જે કામો થાય ત્યાં એક બોર્ડ લગાવવાનું ફરજિયાત છે ત્યારે આ તમામ કામો સાચા હોવાનો દાવો કરતી તાલુકા પંચાયતે જવાબ આપવો પડશે કે બોર્ડ ગાયબ છે કે કામ જ ગાયબ છે? જાણીએ નાડાતોડ ગામનો મનરેગાનો આ મહા ઘટસ્ફોટ રીપોર્ટ.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામમાં મનરેગાના કામોમાં ગેરરીતિ થયાની ગામના જ જાગૃત નાગરિકે ફરિયાદ કરી છે. આ તપાસમાં શું સામે આવે છે તે પહેલાં ભ્રષ્ટાચારની ભયંકર દુર્ગંધ આવે તેવો ખુલાસો સામે આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં નાડાતોડ ગામમાં 100થી પણ વધુ જાહેર કામો થયા હોવાનું મનરેગાની સાઇટ ઉપર છે અને જાગૃત નાગરિકે પણ 80થી વધુ કામોની તપાસ કરવા અરજી આપી છે. હવે આ કામો જો હકીકતમાં નિયમોનુસાર થયા છે તો કામના સ્થળે સીટીઝન ઇન્ફોર્મેશન બોર્ડ કેમ નથી ? દરેક કામે આ બોર્ડ લગાવવાનું ફરજિયાત છે તો આ બધા બોર્ડ કેવી રીતે ગાયબ છે અથવા તો કેમ લાગ્યા જ નથી ? જો લાગ્યા હોય તો ટૂંકા સમયમાં હયાત કેમ નથી? શું આ બોર્ડનો ફોટો માત્ર ઓનલાઇન અપલોડ કરવા પૂરતો હોય છે કે, અમુક વર્ષો સુધી કામના સ્થળે હોવો જોઈએ? વાંચો નીચેના ફકરામાં શું કહ્યું પ્રમુખે
નાડાતોડ ગામમાં મનરેગાના હકીકતમાં ખૂબ કામો થયા હોય અને ગામનો વિકાસ સરપંચ અને તાલુકા પ્રમુખે કરવા મહેનત કરી હોય તો જાહેર જનતા સામે આ બોર્ડ કેમ નથી ? ગામમાં સીસીરોડ, પેવર બ્લોક, ચેકડેમ કે સ્ટોનબંધ સહિતના વિકાસ જે કામો તમે સરકારના ખર્ચે કર્યા છે તેનો પ્રચાર પ્રસાર કરી શકો છો તો પછી આ બોર્ડ કેમ નથી? આ સવાલ કરતાં દેવગઢબારિયા તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું કે, બોર્ડ તૂટી જાય અથવા કોઈ લઈ જાય એટલે આજે હયાત ના હોય. હવે પ્રમુખ તમે ભૂલો છો કે, સરકારી બોર્ડની ચોરી થાય નહિ અને થાય તો ફરિયાદ કરી શકાય. બીજું કે, બોર્ડ તૂટવાનો સવાલ નથી કેમ કે, પથ્થરનું બોર્ડ લગાવવામાં આવે છે. હવે પથ્થરનું બોર્ડ શું ગણતરીના મહિનાઓમાં તૂટી ગયા? હવે એ વાત સ્પષ્ટ પણે ઉભરી આવી છે કે, નાડાતોડ ગામમાં મનરેગાના કામો ઉપર બોર્ડ ગાયબ છે અથવા કામ જ ગાયબ છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં આ બોર્ડની જડમા જઈને કરીએ ઘટસ્ફોટ.