ઘટસ્ફોટ@શંખેશ્વર: માટી ચોરી ઢાંકવા ખોટાં કાગળો લેવા ખનન માફિયાએ કર્યા પ્રયત્ન, જાણીને ચોંકી જશો

સિંચાઇ હેતુ તળાવ ઉંડુ કરી માટી ખનન કર્યાનું કાગળ ઉપર કરાવવા ધમપછાડા કર્યા પણ મેળ ના પડ્યો
 
Sankheswar mati khanan

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

શંખેશ્વર તાલુકાના કુંવર ગામ પાસે થયેલી માટી ચોરી એટલે કે ગેરકાયદેસર ખનન મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે. જે તે વખતે તાલુકા તંત્રને જાણ થયેલી પરંતુ ઠંડું પડી ગયેલું છતાં ભવિષ્યમાં કોઇ પરેશાની ના થાય તે માટે ખનન માફિયાએ મોટો પ્લાન રચ્યો હતો. સિંચાઇ માટે નજીકના તળાવમાંથી ખનન કર્યાના કાગળો લેવા/મેળવવા પ્રયાસ કર્યો હતો. બનાવટી કામગીરી બતાવી અસલી કાગળો આધારે ગેરકાનૂની ખનન ઢાંકવા ઘડેલી આ મોડસ ઓપરેન્ડી અમલ થઇ નહોતી. જ્યાંથી કાગળો મેળવવા હતા ત્યાંથી કોઈ પ્રતિભાવ નહિ મળવાં છતાં પૂરજોશ કોશિશ કરી હતી. જાણીએ સમગ્ર અહેવાલ આ ભાગ 2 માં.

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવર ગામ પાસે સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન મામલે હવે ભૂસ્તરશાસ્ત્રીની કચેરી હરકતમાં આવી છે. મામલતદાર બી.ડી કટારીયાએ માટી ખનન મામલે કાગળ ઉપર કંઈ જ કર્યું નહિ અને ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને જાણ કરી નહોતી પરંતુ હવે મામલો જિલ્લામાં પહોંચી જતાં દોડધામ મચી છે. ભૂસ્તરશાસ્ત્રી કચેરીના કર્મચારીએ જણાવ્યું કે, મામલતદારથી કોઈ પત્ર નથી પરંતુ સ્થળ તપાસ અમે કરીશું. આ તરફ જે તે વખતે માટી ચોરી થઇ ત્યારે આસપાસમાં મામલો ચર્ચાની એરણે ચડ્યો હતો. ત્યારે ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો તે માટે ખનન માફિયાએ સિંચાઇ હેતું તળાવ ઉંડુ કરવા ખનન કર્યાના કાગળો લેવા ચોંકાવનારો પ્રયત્ન કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, તળાવમાંથી નિયમોનુસાર ખનન કરી પાવર પ્લાન્ટમાં ઠાલવી હોવાનું બતાવવા બનાવટી કામગીરી ઉભી કરવા મથામણ કરી હતી.

સમગ્ર મામલે એવી વાત સામે આવી કે, ખનન માફિયાએ પાવર પ્લાન્ટવાળા પાસેથી પેમેન્ટ મેળવવા આધારભૂત માટી ખનનના કાગળો બતાવવા જરૂરી હતા. આથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પાસેથી નકલી કામગીરીના અસલી કાગળો લેવા પ્રયત્ન કર્યો હતો પરંતુ ઓથોરિટી વાળાએ સ્પષ્ટ મનાઇ કરી હતી. આ પછી કંપની પાસેથી પેમેન્ટ કઢાવવા યેનકેન પ્રકારે મથામણ કરી પાર પાડ્યું પરંતુ ગેરકાનૂની માટી ખનનનો પ્રશ્ન તત્કાલીન શાંત પડેલો કે સેટિંગ્સથી પાડેલો આજે ઉભો થતાં ચકચાર મચી જવા પામી છે.