ઘટસ્ફોટ@રાજકોટ: સ્વમાન માટે IAS અધિકારી તાત્કાલિક ધંધો બંધ કરાવી શકે તો ગેમઝોનમાં ફરજ ક્યાં ગઈ? જાણો બધું

 
અગ્નિકાંડ
બાબુઓની ભયંકર ભૂલને કારણે કેવી રીતે માનવ જીંદગીના અવશેષો ખરાઇ કરવાની નોબત આવી.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


રાજકોટ અગ્નિકાંડ એ ગેમઝોનના સંચાલકો સાથે અધિકારીઓની પણ ભયંકર બેદરકારી અને મનસ્વી વહીવટનુ પરિણામ છે. જાણે માનવ જીંદગીની કોઈ કિંમત ના હોય તેમ ફરજમાં ભયંકર બેદરકારી કરનારા વ્હાઇટ કોલર વાળાને હજુસુધી કાયદાનો ગાળિયો લાગ્યો નથી. અહીં તમને જણાવીએ અને ઘટસ્ફોટ પણ કરીએ કે, આઇએએસ અધિકારીનુ કોઈ રેસ્ટોરન્ટ ઉપર સ્વમાન ઘવાય તો તાત્કાલિક તપાસ ટુકડી મોકલી તુરંત સીલ કરાવી દે છે તો મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ પણ આઇએએસ છે ત્યારે ફરજ કેમ યાદ ના આવી ? કમિશ્નરને ગેમઝોનમાં ગમે ત્યારે જાત તપાસ કરવાની સત્તા છે તો કેમ જનહિતમાં મુલાકાત લઈ સમીક્ષા ના કરી ? કદાચ આ ગેમઝોનમાં કોઈ અધિકારીનુ સ્વમાન ઘવાયું હોત તો શું સંચાલકો ગેરકાયદેસર રીતે ગેમઝોન ચલાવી શક્યા હોત ? જાણીએ બાબુઓની ભયંકર ભૂલને કારણે કેવી રીતે માનવ જીંદગીના અવશેષો ખરાઇ કરવાની નોબત આવી.

રાજકોટના ગેમ ઝોનમાં એક નહી અનેક બાબતે ક્ષતિઓ અને સરકારી નિયમોનું ઉલ્લંઘન હતુ. હવે આ ક્ષતિઓ કે ઉલ્લંઘન તપાસવાની જવાબદારી વાળાએ જો સમયસર અને નિયમોનુસાર તપાસ કરી ગેરકાયદેસર બાબતો અટકાવી હોત તો આ દુર્ઘટના બનતી ? આ સવાલ એટલા માટે કે, મહેસાણામાં એક કલેક્ટર સાંજના સમયે એક રેસ્ટોરન્ટમાં ગયા ત્યારે ખુરશી ઉપર બેસવાની બાબતે સ્વમાન ઘવાતાં તાત્કાલિક આરોગ્ય, ફુડ, વિવિધ સર્ટીફીકેટ બાબતે તપાસ કરીને તે રેસ્ટોરન્ટને સીલ મારી દીધું હતુ. હવે જો આઇએએસને આટલી બધી સત્તા છે તો આ ગેમ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બાબતના નિયમોની ખાતરી કરવા કમિશ્નર જાતે રૂબરૂ તપાસમાં ના જઈ શકે? દુર્ઘટના સમયના મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલને ગેમ ઝોનમાં ફાયર સુરક્ષા બાબતની તપાસ કરવાની સત્તા હતી તો કેમ તપાસ ના કરી ? જો ગેમ ઝોનના સંચાલકો સાથે કોઈ બાબતે સ્વમાનનો પ્રશ્ન બન્યો હોત તો ગેમઝોનમાં સરકારી નિયમોની ઐસીતૈસી થઈ શકી હોત ? વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેમ ઝોનમાં સરકારી નિયમોની ઐસીતૈસી થઈ રહી હતી એ પ્રામાણિક ભાજપ સરકારની ચૂક નથી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશ્નરની સંપૂર્ણ જવાબદારી છે. કેમ કે ખુદ ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે, આ ગેમઝોન ચાલુ રહ્યો ત્યાં સુધીના તમામ મ્યુનિસિપલ કમિશ્નરની ભયંકર બેદરકારી છે. મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલે એકવાર પણ ગેમ ઝોનમાં જાત તપાસ કરી હોત અને પોતાની ફરજ બજાવી સુરક્ષાની તમામ રીતે ખાત્રી કરી હોત તો આ દુર્ઘટના ટળી શકી હોત. વાત આટલી નથી, ખુલ્લામાં પેટ્રોલના બાટલા લગાવી ક્યારેય કોઈ ગેમ ઝોનમાં ગાડી ચલાવવાની મંજૂરી હોય ? આ બાબતે પણ આંખે દેખાતી ભયંકર બેદરકારીને કારણે કલ્પી ના શકાય તેવી ભયંકર દુર્ઘટના બની છે. જો સરકાર આ ગેમઝોન બાબતે એક એક કર્મચારી અને અધિકારીની નાનામાં નાની જવાબદારી શોધી હાઇકોર્ટમાં તટસ્થ રીપોર્ટ રજૂ કરશે તો દાખલારૂપ કાર્યવાહી ન્યાયપાલિકા દ્રારા થઈ શકે છે.