ગુજરાતઃ આ જીલ્લામાં વર્ષોથી ચાલતી ફાયનાન્સ કંપની કરોડો રૂપિયા લઇ ગાયબ

અટલ સમાચાર, ડેસ્ક એક કહેવત છે કે, જ્યાં લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે. અત્યાર સુધી આવું ખુબ સાંભળ્યું છે. પરંતુ આજે વડોદરામાં તેનું જીવીત ઉદાહણ જોઈ લીધું. એવા લોકોને લાલચ ભારે પડી ગઈ છે જેમણે એજન્ટોના જાસામાં આવીને રૂપિયા રોકી દીધા. કારણ કે કંપની રાતો-રાત લાખો રૂપિયા ચાંઉ કરી ગાયબ થઈ ગઈ છે.
 
ગુજરાતઃ આ જીલ્લામાં વર્ષોથી ચાલતી ફાયનાન્સ કંપની કરોડો રૂપિયા લઇ ગાયબ

અટલ સમાચાર, ડેસ્ક

એક કહેવત છે કે, જ્યાં લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે. અત્યાર સુધી આવું ખુબ સાંભળ્યું છે. પરંતુ આજે વડોદરામાં તેનું જીવીત ઉદાહણ જોઈ લીધું. એવા લોકોને લાલચ ભારે પડી ગઈ છે જેમણે એજન્ટોના જાસામાં આવીને રૂપિયા રોકી દીધા. કારણ કે કંપની રાતો-રાત લાખો રૂપિયા ચાંઉ કરી ગાયબ થઈ ગઈ છે. કિસ્સો વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારનો છે. જ્યાંથી હેમરો નિધી નામની ફાયનાન્સ કંપનીએ ઉઠામણું કરતા હજારો લોકોને રસ્તા પર લાવીને મુકી દીધા છે. જેમાં એક મહિલા એજન્ટ પણ ફસાઈ છે. જેણે પોતાના પરિવાર સાથે 114 લોકોના અંદાજીત 21 લાખ જેટલા રૂપિયા રોકાવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કંપનીએ અહીં એવા લોકોને ટાર્ગેટ બનાવ્યા છે. જેઓ મધ્યમ અને ગરીબ છે. કોઈ વ્યક્તિ કોઈના ઘરનું કામ કરે છે, કોઈ લારી ચલાવે છે, કોઈ શાકભાજી વેચી પોતાના ઘરનું ગુજરાતન ચલાવે છે. ત્યારે આવા લોકોની ખુબ જ મુશ્કેલી વધી ગઇ છે. આ હેમરો નિધી કંપની વર્ષ 2013માં સક્રિય થઈ હતી. આ કંપનીને દિપક ગેમીર, દિલીપ કોરી અને સુરત રાવલ દ્વારા શરૂ કરાઈ હતી. આ કંપનીએ લોકોને આકર્ષવા અલગ-અલગ વિસ્તારમાં એજન્ટ બનાવ્યા હતા. જે એજન્ટો લોકોને 10-12 ટકા ઉંચા વ્યાજની ઓફર આપતા હતા. આમ લોકો પણ વધુ વ્યાજની લાલચમાં આવી કંપનીમાં લાખો રૂપિયા રોકવા લાગ્યા હતા. જોકે આ માટે એજન્ટોને પણ 7 ટકા જેટવું કમિશન આપવામાં આવતું હતું. લોકોને આકર્ષવા શરૂઆતમાં કંપનીએ ગોલ્ડ અને સિલ્વર લોન પણ લોકોને આપી. પરંતુ જેવું જ કરોડોનું રોકાણ થયું કે, કંપની ઉઠામણું કરી ગાયબ થઈ ગઈ.

અહીં લાલચ કહો કે વિશ્વાસ ઘાત કહો, બધું બરાબર છે. પરંતુ સવાલ એ થાય છે કે, આવી કંપનીઓ બજારમાં આવે છે ત્યાં સુધી સરકારને કેમ ખબર નથી પડતી? સરકારના નકલી સિક્કા બનાવી લે છે ત્યા સુધી અધિકારીઓ ક્યાં ઊંઘે છે? લાખો-કરોડો રૂપિયા લઈ આવી કંપનીઓ ગાયબ ક્યાં થઈ જાય છે? શું આવી ફ્રોડ કંપનીઓને રોકવાનો કોઈ રસ્તો નથી? હાલ સવાલ તો લોકોના પૈસાનો છે. જોકે હાલ તો લોકો પોતાના પૈસા મેળવવા માટે પોલીસની મદદ લેવા પહોંચી ગયા છે. પરંતુ રૂપિયા આવશે કે નહીં તેનો કોઈ ભરોસો નથી. પરંતુ આ ઘટના પરથી અમે એટલું જ કહેવા માગીએ છીએ કે, આવી લોભામણી લાલચોથી દૂર રહેવામાં જ ભલાઈ છે. કારણ કે, લાલચ જ્યારે ભારે પડે છે તેના ડામ વર્ષો સુધી ભૂસાતા નથી.