આનંદો@ગુજરાત: ઉનાળા પહેલા મોટો નિર્ણય, 1.70 કરોડ વીજ ગ્રાહકોને મળશે રાહત, ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો

 
Vij Company

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્ય સરકારના ઉર્જા વિભાગે મોટો નિર્ણય કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ઉર્જા વિભાગના આ નિર્ણયથી ગુજરાતના 1.70 કરોડ વીજ ગ્રાહકોને મોટી રાહત મળશે. સરકારના ઉર્જા વિભાગે ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટે 50 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પ્રતિ યુનિટે 3.35 પૈસાને બદલે 2.85 પૈસા લેખે ગણાશે. તો બીજી તરફ રાજ્યના 1.70 કરોડ વીજ ગ્રાહકોને વીજ બિલમાં રુ 1340 કરોડની રાહત મળશે. કારમી મોંઘવારીમાંથી ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાથી સામાન્ય સહિત તમામ વર્ગને મોટી રાહત મળશે.

ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA) ની વસૂલાત કરવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ-2024ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ.3.35પ્રતિ યુનિટથી ઘટીને રૂ.2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે તેમ, ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું. 

ઊર્જા મંત્રી દેસાઇએ કહ્યું હતું કે, ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ-2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ.1340 કરોડનો લાભ થશે.જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત FPPPAના ઘટાડાને કારણે અંદાજે રૂ.51ની માસિક બચત થશે તેમ, તેમણે ઉમેર્યું હતું.