ગંભીર@નર્મદા: લાંચ લેવામાં મહિલા તલાટી જબરા, હવાલાથી એક લાખ મંગાવ્યા, આખરે એસીબીએ ઝડપ્યા

 
Narmda

અટલ સમાચાર ડોટ કોમ, નર્મદા

ગુજરાતમાં એક તરફ નજીકના દિવસોમાં ચૂંટણીનો જંગ જામશે ત્યારે બીજી તરફ લાંચિયા કર્મચારીઓ ઝડપાઇ રહ્યાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. લાંચ લેવામાં મહિલા કર્મચારીઓ પણ પાછળ ના હોય તેમ બેફામ બન્યા છે. હજારો નહિ લાખ-લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના એક ગામમાં મહિલા તલાટી પણ કેવા ગજબના તો સામે ફરિયાદી પણ જાગૃત બની સફળ ટ્રેપ કરાવવામાં આગળ નિકળ્યા છે. ખેતરમાં બાંધકામ કરતાં ખેડૂતને વિજ મીટર સહિતની બાબતે તલાટીની જરૂર પડી હતી. ‌મહિલા તલાટીએ સમગ્ર કામગીરી પેટે લાંચ માંગી હતી. આ લાંચની રકમ આંગણિયા મારફતે છેક ગાંધીનગર મંગાવી માંગી હતી. એસીબીએ તલાટી અને અન્ય એક આનગી વ્યક્તિ સહિત 2 વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામે પટેલ નિતાબેન મોકમભાઇ તલાટી તરીકે ફરજ બજાવે છે. આ ગામમાં સ્થાનિક વ્યક્તિની ખેતીની જમીન આવેલી હોઈ દેખરેખ અને જમીન લગત અન્ય કામગીરી પણ સંભાળતા હતા. ખેતીની જમીનમાં બીયારણ, ખાતર વિગેરે સરસામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે આ વ્યક્તિએ પતરાના શેડવાળી ઓરડીઓ બનાવેલ હતી. જેમાં વિજ મીટરની જરુરીયાત હોવાથી ઘર નંબર મેળવવા અને જરૂરી તે સંબંધિત મંજુરીઓ મેળવવા નરખડી ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. આ કાર્યવાહી કરવાના અવેજ પેટે ગામના તલાટી નીતાબેને અધધધ....એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. 

ખેતરમાં શેડ માટે કાયદેસરના કાગળો છતાં મહિલા તલાટીએ લાંચ માંગી હતી. ફરીયાદી તથા સાહેદ પાસે એક લાખની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ મહિલા તલાટીએ આંગણિયાથી છેક ગાંધીનગર મહેશ આહજોલિયાને આપવા જણાવ્યું હતું.       

જોકે લાંચની રકમ ફરીયાદી(અરજદાર) આપવા માંગતા ના હોવાથી એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેથી ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન થતાં આ કામના ફરીયાદી સાથે તલાટી નીતા પટેલ અને સાહેદ સાથે આરોપી મહેશ આહજોલિયાએ મોબાઇલ ઉપર હેતુલક્ષી વાતચીત કરી હોવાનું સામે આવ્યું હતું. જાગૃત વ્યક્તિએ સુરતથી આંગડીયા મારફતે મોકલાવેલ રૂપિયા એક લાખની રકમ ગાંધીનગર આંગડીયાની ઓફિસ ખાતેથી આરોપી મહેશ આહજોલિયાએ તેના ઓળખીતા બે વ્યક્તિએ સ્વીકારી લીધી હતી. લાંચના છટકાની કાર્યવાહી દરમ્યાન આરોપી તલાટી નીતા પટેલ નર્મદા જીલ્લા ખાતેથી તથા આરોપી મહેશ આહજોલિયા ગાંધીનગર ખાતેથી મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બન્ને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી ટ્રેપીંગ અધિકારી એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સપેકટર, ફિલ્ડ, એસીબી સુરત એકમ, સુરત તથા સ્ટાફ તેમજ સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત દ્વારા મોટી જહેમત ઉઠાવી લેવામાં આવી હતી.