રેસ્ક્યૂ@સુરત: મધરાત્રે લિફ્ટમાં ફસાયા 10 લોકો, દીવાલ તોડી બહાર કઢાયા

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેરના અલથાણમાં બુધવારની મોડી રાત્રે 10 લોકો લિફ્ટમાં ફસાયાની ઘટના બની હતી, અંધારામાં લિફ્ટમાં લોકોની ફસાઈ જવાની ઘટનાએ લોકોના જીવ ઊંચા કરી દીધા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને ફસાયેલાને બહાર કાઢવાના વિવિધ પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં આવેલી લિફ્ટમાં લોકો ફસાઈ જવાનો આ બનાવ બન્યો હતો. આ ઘટના બનતા લિફ્ટ મેઈન્ટેન્સની જવાબદારી સોંપાઈ હોય તે કંપનીઓ સામે પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે.

સુરતના અલથાણમાં આવેલી સિગ્નેચર હોસ્પિટલની લિફ્ટ પાછલી મોડી રાત્રે બંધ પડી હતી. જેમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બંધ પડેલી લિફ્ટમાંથી લોકોને બહાર કાઢવામાં સફળતા મળી છે. ફાયર વિભાગને લિફ્ટમાં 10 લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. લિફ્ટ ખામીના કારણે અટકી ગઈ હોવાથી તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હોસ્પિટલની લિફ્ટમાં ફસાયેલા 10 લોકોને બહાર કાઢવા માટે દીવાલ તોડવી પડી હતી. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ બનાવના સ્થળ પર પહોંચી ગઈ હતી. પછી ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા બાદ આખરે દીવાલ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

લિફ્ટ બંધ પડવાની ઘટના બાદ સૌથી પહેલા લિફ્ટનું મેઈન્ટેનન્સનું કામ જોતી કંપનીને જાણ કરવામાં આવી હતી. જોકે, આ પ્રયાસમાં લિફ્ટ ફરી શરુ કરીને લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા દીવાલ તોડીને 10 લોકોને બહાર કાઢવાનો નિર્ણય લેવાયો હતો. લિફ્ટની અંદર લોકો લગભગ એકથી દોઢ કલાક જેટલો સમય ફસાયેલા રહ્યા હોવાની વિગતો મળી રહી છે. આ ઘટનામાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે. લિફ્ટ મેઈન્ટેનન્સનું કામ કરતી કંપનીઓ દ્વારા 12 મહિનાના કોન્ટ્રાક્ટમાં માત્ર 10 મહિનાની જ સર્વિસ આપવામાં આવતી હોય છે, જો તેમનો કોન્ટ્રાક્ટ 10મા મહિના પછી રિન્યૂ ન થાય તો તેઓ સર્વિસ આપવાનું બંધ કરી દેતા હોય છે.

કોન્ટ્રાક્ટ રિન્યૂના મામલામાં પડતા ડખાના કારણે સામાન્ય વ્યક્તિ માટે જીવનું જોખમ ઉભું થઈ પડવાની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યના મોટા શહેરોમાં લિફ્ટ મેઈન્ટેનન્સ સર્વિસમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. લિફ્ટમાંથી સુરક્ષિત રીતે બહાર આવ્યા બાદ લોકોએ હાશકારો લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાનો બનાવ બન્યો નથી. જોકે, બનાવ મોડી રાત્રે બન્યો હોવાથી લિફ્ટમાં ફસાયેલા લોકો અને બહાર રહેલા તેમના સગાના જીવ અધ્ધર થઈ ગયા હતા.