ગંભીર@અમદાવાદ: લાપિનોઝ પિઝામાંથી નીકળ્યા 10થી 15 નાના વંદા ? જાણો શું છે સમગ્ર મામલો ?
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદ શહેરમાં અનેક મોટી મોટી રેસ્ટોરન્ટના જમવામાં જીવાત નીકળવાની ઘટના જાણે સામાન્ય થઇ ગઇ હોય તેવું લાગે છે. શહેરની મોટી બ્રાન્ડ ગણાતા લાપિનોઝના પિઝાનું બોક્સ ખોલતાની સાથે 10-15 વંદા નીકળ્યા હતા. આ અંગનો વીડિયો પણ ઘણો જ વાયરલ થયો છે. લાપિનોઝ જેવી મોટી બ્રાન્ડના પિઝામાંથી જીવાત નીકળતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં આવેલી લાપિનોઝની એલિસબ્રિજ બ્રાંચમાં કેટલાક યુવાનોએ પિઝાનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આવતાની સાથે યુવાનોએ જેવું લાપિનોઝની બોક્સ ખોલ્યું તો તેમાંથી 10થી 15 નાની જીવતી વંદીઓ નીકળી હતી. આ જોતાની સાથે જ યુવાનો ચોંકી ગયા હતા. આ જોયા બાદ બ્રાંચના મેનેજરે કહ્યુ કે, આની બદલામાં બીજો પિઝા બનાવી આપીએ. પરંતુ આ દ્રશ્ય જોઇને તે બધાએ બીજા પિઝા માટે ના પાડી દીધી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં વૃષાંક ડોબરિયા નામના યુવકે જણાવ્યું હતું કે, તે એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ પાછળ આવેલા લા પિનોઝ પિઝા સેન્ટરમાં તેમના પાંચ મિત્રો સાથે પિઝા ખાવા ગયા હતા. તેઓએ એક મોટો પિઝા અને એક નાનો પિઝા ઓર્ડર કર્યો હતો. જ્યારે બંને પિઝા આવ્યા અને બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે નાના પિઝામાંથી 10થી 15 નાના નાના વંદાઓ નીકળતા જોવા મળ્યા હતા. એ જોઈને તેઓ ચોંકી ગયા હતા. પિઝામાંથી વંદીઓ બહાર આવતાં જ અમે ત્યાંના સ્ટાફને જાણ કરી હતી. તેઓએ તેમની ભૂલ સ્વીકારી, માફી માંગી અને પિઝા પાછો લીધો. તેઓએ અમને રિફંડ આપવાની વાત પણ કરી હતી. પરંતુ આ બાબતે અમે પોલીસ અને કોર્પોરેશનને પણ ફરિયાદ કરી હતી.