ગૌરવ@વડોદરા: મહાશિવરાત્રિથી દર્શન થશે 111 ફુટના ગોલ્ડન શિવશંકર, 12 કરોડના ખર્ચે પ્રતિમા સોનાની મઢી

 
Golden Shiv Mahadev

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાના સુરસાગર તળાવના મધ્યે 111 ફૂટની શિવની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે. મહાશિવરાત્રિ પહેલાં પ્રતિમા ઉપરથી કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. શિવજીની આ પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીએ એટલે કે, મહાશિવરાત્રિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું છે. 

Golden Shiv Mahadev

દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના પાવન દિવસે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. વડોદરાના મધ્યબિંદુ સમાન સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમા હવે સુવર્ણજડિત થઈ જતાં મહાશિવરાત્રિએ લોકોના દર્શનાર્થે મૂકાશે. લોકાર્પણ પહેલાં પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવતાં આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડ્યા હતા. 2017માં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમાને સુવર્ણજડિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. 5 ઓગસ્ટ 2020ના દિવસે એકબાજુ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામમંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો અને બીજી બાજુ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણજડિત કરવાનો પણ પ્રારંભ થયો હતો. દેશ- વિદેશના અનેક દાતાઓએ 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલોગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના રૂપિયા 12 કરોડના અંદાજિત ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન આપ્યું છે. હવે આખી પ્રતિમા સંપૂર્ણપણે સુવર્ણજડિત થઈ ગઈ છે, જેનું લોકાર્પણ આગામી 18 ફેબ્રુઆરી મહાશિવરાત્રિની સંધ્યાએ થશે. મહાશિવરાત્રિની બપોરે 3-30 વાગ્યે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે. 

શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણજડિત કરવા ડૉ. કિરણ પટેલ, શ્નિલેશ શુક્લ, જાણીતા બિલ્ડર મયંક પટેલ, બિલ્ડર શ્રેયસ શાહ અને પીયૂષ શાહે યોગદાન આપ્યું છે. સુરસાગર તળાવના મધ્યે બિરાજમાન શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા ઓડિશાના કારીગર રાજેન્દ્ર નાયક અને તેમની ટીમ દ્વારા પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું આ કામ કરવામાં આવ્યું હતું. રાજેન્દ્ર નાયક અને તેમની ટીમે અંબાજી, શેરડી સાંઈબાબા મંદિર સહિત દેશનાં 50 જેટલાં ધાર્મિક સ્થળોમાં સોનાનું આવરણ ચઢાવવાનું કામ કર્યું હતું. 

કેવી રીતે બની છે 111 ફુટની પ્રતિમા

ચંદન તલાવડીના જૂના નામથી ઓળખાતું અને 18મી સદીમાં બનેલ સુરસાગરમાં સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા 1995માં 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું નિર્માણ શરૂ થયું હતું. વર્ષ 2002માં મહાશિવરાત્રિના દિવસે બી.એ.પી.એસ સંસ્થાના પ્રમુખસ્વામી મહારાજના હસ્તે સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 5 ઓગસ્ટ 2020ના રોજ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરી શરૂ થઈ હતી. મૂર્તિ પર કાગળ જેવા સોનાના 4થી 5 લેયર ચઢાવવામાં આવ્યાં છે.

ગુજરાતમાં સૌપ્રથમ 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સોનાથી મઢવામાં આવી છે.

કેવી મજબૂત છે સોનાની પ્રતિમા

વાવાઝોડા કે ભૂકંપ દરમિયાન પ્રતિમા કોઈ પણ દિશામાં 8થી 10 ઈંચ ઝૂકે તો પણ કોઈ આંચ ન આવે એવી રીતે ડિઝાઇન કરાઈ છે. પ્રતિમા પૂર્વાભિમુખ હોવાથી પ્રથમ લેવલનાં પગથિયાં પૂર્વ તરફ રખાયાં છે. આ લેવલથી બીજા લેવલ પર પહોંચવા ચારે ખૂણાના બંને છેડા 8 નાના ક્યારાથી જોડી દેવાયા છે.