કાર્યવાહી@ગુજરાત: હેર ટ્રાન્સપ્લાન્ટ-લેઝર ટ્રીટમેન્ટ કરતા 12 તબીબને ત્યાં SGSTની તપાસ, 4 કરોડના વ્યવહાર મળ્યા

 
GST

અટલ સમાચાર, ડેસ્ક 

સુરત શહેર-જિલ્લામાં એસજીએસટીએ હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેર લેઝર ટ્રીટમેન્ટ સાથે જોડાયેલાં 12 ડોકટરોને ત્યાં પાડેલા દરોડામાં 4 કરોડ સુધીના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા, જેના પર અધિકારીઓએ અત્યાર સુધીમાં 80 લાખ સુધીનો ટેક્સ ભરાવડાવ્યો હતો. અત્યાર સુધી તબક્કાવાર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં પહેલા રાઉન્ડમાં સમગ્ર રાજ્યના સ્કીન તથા હેર ટ્રીટમેન્ટ કરતા ડોકટરોને ત્યાંથી 3 કરોડની ટેક્સચોરી મળી આવી હતી. જીએસટીના અધિકારીઓની ટીમે રાજ્યમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીધામ, જૂનાગઢ સહિત કુલ 46 જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં સુરતમાં 12 સ્થળે દરોડા પડ્યા હતા.

સુરત શહેરમાં પાલ, પાર્લેપોઇન્ટ, વરાછા, પૂણા સહિતનાં વિસ્તારોના તબીબો સાણસામાં આવ્યા હતા. સતત બે દિવસ સુધી ચાલેલા દરોડાના અંતે અધિકારીઓએ 80 લાખની કરચોરી ઝડપી પાડી હતી. નવાઈની વાત એ છે કે, આ પૈકી અનેક ડોકટરો એવા પણ હતા જેઓ જાણતા જ ન હતા કે હેર ટ્રાન્સપ્લાન્ટ પર જીએસટી લાગે છે.ડોકટરોને ત્યાંથી રોકડ વ્યવહારો મળ્યા હતા. અધિકારીઓએ કેટલાંક હિસાબી ચોપડા પણ ચેક કર્યા તો દર્દીઓ પાસે રોકડમાં રૂપિયા લેવાયા હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે ટેક્સ નક્કી કરાયો હતો.