હુકમ@મહેસાણા: સગીરા પર દુષ્કર્મના કેસના આરોપીને 12 વર્ષ સખત કેદની સજા, જાણો શું હતો મામલો ?

 
District Court Mehsana

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણાની સ્પે.પોક્સો કોર્ટે લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરનારા બોરિયાવીના યુવકને દોષિત ઠેરવી 12 વર્ષની સજા અને રૂ.10 હજાર દંડનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે, મહેસાણા તાલુકાના બોરિયાવી ગામનો ઠાકોર સંજય રમેશજી પંથકના એક ગામની 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી જામનગર ખાતે રહેતા તેના મામાને ત્યાં ભગાડી ગયો હતો. જ્યાં તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. 

મહેસાણા બોરિયાવીના યુવક સામે સગીરાના પિતાએ અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હોવાની જાણ જામનગર રહેતા સંજય ઠાકોરને થતાં સગીરાને મહેસાણા જતી ટ્રેનમાં બેસાડી જતો રહ્યો હતો. આ કેસ મહેસાણા સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલોને આધારે જજ ઝંખનાબેન ત્રિવેદીએ આરોપી સંજય ઠાકોરને અલગ અલગ કલમ હેઠળ કસુરવાર ઠેરવી કુલ 12 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોર્ટે સગીરાને રૂ.15 હજાર વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. આ સાથે સગીરાને જામનગર રાખનારા યુવકના મામા ઠાકોર કનુજી ફુલાજી (મૂળ રહે. મેવડ)ને શંકાનો લાભ આપી કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા. આ કેસમાં સરકારી વકીલ દ્વારા 26 દસ્તાવેજી પુરાવા તેમજ 15 જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા હતા.