રિપોર્ટ@યુનિવર્સિટી: 126 કરોડની આવક સામે 125.34 કરોડ વાપરવાની તૈયારી, માત્ર 66 લાખની પુરાંતવાળુ બજેટ

 
HNGU

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના સત્તાધિશોએ શુક્રવારે વર્ષ 2023- 24 નું બજેટ રજૂ કર્યું હતું. કુલ 126 કરોડનું બજેટ રજૂ કરી આંકડાકીય વિગતો જાહેર કરી હતી. જેમાં સરકારમાંથી મંજૂર થયેલ 47 કરોડની ગ્રાન્ટ યુનિવર્સિટી કેમ્પસ અને ખેડબ્રહ્મા કેમ્પસમાં વિવિધ બાંધકામો પાછળ ખર્ચ કરવાની વાત થઈ હતી. કુલ 125.34 કરોડનો ખર્ચે બાદ કરતાં 66 લાખના પુરાંતવાળું બજેટ કુલપતિ સહિતના અધિકારી અને સભ્યોએ મંજૂર કર્યું હતું.

પાટણ સ્થિત ઉ.ગુ યુનિવર્સિટીના આ બજેટમાંથી યુવા વિકાસ ખર્ચમાં 1.05 કરોડ , યુથ ફેસ્ટિવલમાં 28 લાખ , રમતગમત પ્રવૃત્તિમાં 2.70 કરોડ, સ્પોર્ટ સંકુલમાં સાધન ખરીદવા 28 લાખ , સ્વભંડોળમાંથી 11 કરોડ , વિભાગો અને વર્ગખંડોમાં 35 લાખના ખર્ચે સીસીટીવી, ઇન્ડોર ગેમ માટે 10 લાખ, કેમ્પસના વિભાગોમાં 40 લાખના ખર્ચે RO પ્લાન્ટ, 40 લાખના ખર્ચે હેન્ડીકેપ ટોયલેટ, છાત્રો માટે ગ્રુપ વીમા માટે 14 લાખ, કેમ્પસમાં પાણીની સુવિધા માટે 15 લાખ લિટરની ટાંકી બનાવવા અને 25 લાખ લિટરના સંપ માટે રૂપિયા 2.28 કરોડનો ખર્ચે થશે.

યુનિવર્સિટીની નાણાંકીય કમિટીમાં રજૂ થયેલ આ બજેટમાં વહીવટને ડીઝીટલલાઈઝેશન કરવા 10 કરોડ ખર્ચવાની તૈયારી બતાવી છે. અધ્યાપકોને રિચર્સ માટે 10 લાખ , વહીવટી ખર્ચ,પગાર, ભથ્થા ,ડિપાર્ટમેન્ટ સહિત રેવન્યુ ખર્ચ 26.50 કરોડ તેમજ પરીક્ષા ખર્ચ સહિત‌ 125.34 કરોડ વાપરવાનો અંદાજ છે. તો સામે 126 કરોડની આવક સાથે માત્ર 66 લાખનું પુરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કુલપતિ ડૉ. રોહિત દેસાઈ, રજીસ્ટર ચિરાગ પટેલ સભ્ય દિલીપ ચૌધરી, હિસાબી અધિકારી લલિત પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.