ઘટના@સુરત: ધોળા દિવસે હેલ્મેટ પહેરી બેંકમાં ઘૂસી 13 લાખની લૂંટ, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં ઘોળા દિવસે બેંકમાં 13 લાખની લૂંટની ઘટના સામે આવતાં સનસનાટી મચી જવા પામી છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલી બેંકને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ બેંકના કર્મચારીને બંદક બનાવી લૂંટ ચલાવી હતી. બંદૂકની અણીએ તસ્કરોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તસ્કરો હેલ્મેટ પહેરીને બેંકમાં ઘૂસ્યા હતા અને લૂંટ મચાવી ફરાર થઇ ગયા હતા.
સુરતના સચિન વિસ્તારની આ ઘટના છે, કે જ્યાં લૂંટારુઓએ બેંકને નિશાન બનાવી હતી. તસ્કરો રોકડા 13 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જતાં સનસનાટી મચી ગઇ છે. લૂંટનો બનાવ સચિન વાંજ ગામની એક બેંકમાં બન્યો છે. તસ્કરોએ બેંક રહેલા મેનેજર અને કર્મચારીને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. બંદૂકની અણીએ ચારથી પાંચ લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટની ઘટના સામે આવતા સુરત પોલીસ દોડતી થઇ છે. સુરત ડીસીબી, પીસીબી, એસઓજી સહિત ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરત પોલીસ સુરતમાં ગુનાખોરી ઓછું થયાની વાત કરતી હોય છે ત્યારે ગુનેગારો સુરતને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવી ઘટના સામે આવી છે સુરતના છેવાડે આવેલા સચિન વિસ્તારમાં ગાંધીધામ નજીક આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં બે મોટરસાયકલ પર આવેલા પાંચ જેટલા શખ્સો બેંકમાં પ્રવેશ કરી ઘાતક હથિયારો બતાવી બેંકના કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 13,00,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર ઘટનાના બેંકની બહાર અને બેંકની અંદરના સીસીટીવી સામે આવ્યા છે, ત્યાં લુટારુઓ હેલ્મેટ પહેરીને આવ્યા હતા.
ઘટનાની જાણ થતા સચિન પોલીસ સાથે સુરતની ક્રાઈમ બ્રાન્ચ પીસીબી એસ.ઓ.જી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે અધિકારીઓ તાત્કાલિક ઘટના સાથે દોડી ગયા હતા. એડિશનલ પોલીસ કમિશનર સુધીનો કાફલો ઘટના દોડી જઈ આ મામલે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવાની તજવીજ શરૂ કરી છે. એડિશનલ કમિશનરે સુરત શહેર સાથે નજીકના જિલ્લાઓમાં પણ નાકાબંધીના આદેશ આપ્યા છે. પોલીસનું કહેવું છે કે, સીસીટીવીની મદદથી આરોપીઓ ગણતરીના સમયમાં પકડાઈ જશે, પરંતુ ધોળા દિવસે લૂંટ કરીને ગુનેગારોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે.