ઘટના@ગુજરાત: 13 વર્ષની વિદ્યાર્થિનીનું બેભાન થયા બાદ મોત, હાર્ટ એટેકની આશંકા
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા કાપડ વેપારીની ધો.8 માં અભ્યાસ કરતી 13 વર્ષની ટવીન્સ પુત્રીઓ ગત સવારે સ્કૂલમાં પહેલી બેન્ચ પર બેસી અભ્યાસ કરતી હતી. ત્યારે એક પુત્રી અચાનક બેભાન થઈ ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા સંપૂર્ણ સ્વસ્થ બાળકીના અચાનક મોતથી પરિવાર અને શાળા પરિવાર પણ ચોંકી ઉઠયું હતું.
બનાવ અંગે સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાન રાજસમંદના વતની અને સુરતમાં ગોડાદરા સાંઈબાબા સોસાયટીમાં રહેતા કાપડ વેપારી મુકેશભાઈ ભંવરલાલ મેવાડાની 13 વર્ષની ટવીન્સ પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ ગોડાદરાની ગીતાંજલી સ્કૂલમાં ધો.8 માં અભ્યાસ કરે છે.બંને બહેનો ગત સવારે સ્કુલે ગઈ હતી અને પહેલી બેન્ચ પર સાથે બેસી અભ્યાસ કરતી હતી ત્યારે ચાલુ ક્લાસે 11.30 થી 11.45 ના અરસામાં રિદ્ધિ અચાનક બેભાન થઈ ઢળી પડી હતી.તેમને ભણાવતા શિક્ષકે તરત પ્રિન્સિપાલને જાણ કરતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
સંપૂર્ણ સ્વસ્થ બાળકીના અચાનક મોતથી પરિવાર અને શાળા પરિવાર પણ ચોંકી ઉઠયું હતું.રિદ્ધિના મોતનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી.પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કારણ સ્પષ્ટ થશે.વધુ તપાસ ગોડાદરા પોલીસ કરી રહી છે.