કાર્યવાહી@અમદાવાદ: ઓઢવમાંથી એક્સપાયરી થયેલ 1300 કિલો ઘીનો જથ્થો ઝડપાયો
અટલ સમાચાર, ડેસ્ક
નવરાત્રીના તહેવારોને લઈ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ સફાળું જાગ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટેલો અને દુકાનો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગે ઓઢવ વિસ્તારમાંથી 7.67 લાખનો કિંમતનો 1300 કિલો ઘીનો અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમે આજે શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ વિસ્તારમાં સ્થિત રશ્મિગોથ હબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જૈનિથ એન્ટરપ્રાઇઝમાંથી આશરે 1300 કિલો જેટલો ઘીનો એક્સપાયરી થયેલો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બહોળા પ્રમાણમાં એક્સપાયરી ડેટ વાળા ઘીના જથ્થાનો ડમ્પિંગ સાઈટ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ મામલે આરોગ્ય વિભાગે 25000નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો. તેમજ 7907 કિલો ખાદ્યતેલના જથ્થાના 11 નમૂના લઈ તેને સિઝ કરાયો હતો. આ ઉપરાંત ઘી અને તેલની સાથે જ પનીર મખની, રેડ ગ્રેવીના પણ 14 નમૂનાઓ લઇને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.