વિધાનસભા@ગુજરાત: પાકિસ્તાની જેલમાં છે 133 માછીમારો કેદ, જાણો કેટલી બોટ કરાઇ છે કબજે ?

 
Fishing Boat

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના 133 જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ હોવાનો અને 1170 જેટલી બોટ પાકિસ્તાનના કબજામાં હોવાની વિગતો સામે આવી છે. વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ રાજ્યના 133 માછીમારો પાકિસ્તાની જેલમાં હોવાનું જણાવ્યું છે.

 

દરિયામાં માછીમારી કરવા જતાં ભારતીય માછીમારોનું યેનકેન પ્રકારે પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવે છે અને માછીમારોને પકડી લેવામાં આવે છે. પાકિસ્તાનની આવી નાપાક હરકત અનેકવાર સામે આવી ચૂકી છે. પાકિસ્તાનની આવી નાપાક હરકતને લઈને હજુપણ ઘણા માછીમારો પાકિસ્તાન જેલમાં સબડી રહ્યા છે. 31-12-2023 ની સ્થિતિએ ગુજરાતના 133 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાની વિગતો સામે આવી છે. પાકિસ્તાન પાસે ગુજરાતના માછીમારોની 1170 બોટ કબ્જે છે.

છેલ્લા બે વર્ષમાં 467 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા છે. જે પૈકી 2022માં 35 જ્યારે 2023માં 432 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. પરંતુ પાકિસ્તાન દ્વારા એક પણ બોટ મુક્ત ન કરવામાં આવી હોવાની વિગત પણ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રશ્ન પર સરકારે લેખિત જવાબ આપ્યો છે. છેલ્લા બે વર્ષમાં 89 માછીમારોને 22 બોટ સાથે પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા છે. જે પૈકી 2022માં 80 જ્યારે 2023માં 9 માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, દરિયો ખેડીને સાગરખેડૂઓ માછીમારી કરતા હોય છે ત્યારે દરિયામાં માછીમારોની સુરક્ષાના અનેકવાર સવાલો ઉઠ્યા છે. ત્યારે પાકિસ્તાન દ્વારા માછીમારોની થતી ધરપકડનો મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો હતો.