કાર્યવાહી@ગુજરાત: અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસાડવાના કબૂતરબાજી કેસમાં મહેસાણા સહીતના 14 એજન્ટ ફરાર

 
Plane

અટલ સમાચાર, ડેસ્ક

તા. 26 ડિસેમ્બર 2023ના રોજ ગેરકાયદેસર રીતે દુબઇથી નિકારાગુવા થઇ અમેરિકા જતાં પ્લેનને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પંજાબ અને ગુજરાતના મુસાફરો હતા. જેમને ફ્રાન્સથી ભારત ડીપોર્ટ કરવામાં આવ્યા હતા. આ બાબત હ્યુમન ટ્રાફિકિંગને લગતી હોવાથી ફ્રાન્સથી પરત આવેલા મુસાફરો પૈકી 66 જેટલા ગુજરાતી મુસાફરોના પાસપોર્ટ નંબર સાથેની ડિટેઇલ મેળવી હતી. જેના આધારે સીઆઇડી ક્રાઈમ ખાતે એક તપાસ ટીમની રચના કરી હતી અને અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી રિજિયોનલ પાસપોર્ટ ઓફિસથી 66 પાસપોર્ટ ધારકની માહિતી મેળવવામાં આવી હતી. જેમાં રાજ્યના મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદ જિલ્લાના વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા.

આ તમામની મુસાફરોની પૂછપરછ કરતા કેટલાક મુસાફરોએ 30 દિવસના તેમજ કેટલાક મુસાફરોએ 3 મહિના સુધીના દુબઇના વિઝિટર વિઝા મેળવ્યા હતા. આ તમામ મુસાફરોમાંથી મોટા ભાગના મુસાફરો પાસે 21 ડિસેમ્બર 2023ના રોજની LEGEND AIRWAYSના ચાર્ટડ પ્લેનની FUJAIRAH-દુબઇથી MANAGUA-નિકારાગુવાની એર ટિકિટ મળી હતી. આ તમામ 66 મુસાફરોની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને મુંબઇના જુદા જુદા એજન્ટો દ્વારા તમામ મુસાફરોમાંથી કેટલાકને 6 મહિના પહેલા તથા કેટલાકને મુસાફરોને બે મહિના પહેલાં રૂબર સંપર્ક કરી અમેરિકા ગેરકાયદેસર રીતે પહોંચાડવા તેમજ અમેરિકા સ્થિત ભારતીયોના ધંધાના સ્થળે મજૂરી/ નોકરીની ગોઠવણ કરી આપવાની જુદી જુદી લોભામણી લલચામણી વાતો કરી પૈસાદાર બનાવવાના પ્રલોભન આપ્યા હતા.

ગુજરાતના 66 લોકો સહિત 300 ભારતીય નાગરિકોને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસાડવાના કબૂતરબાજીના કૌભાંડમાં સીઆઇડી ક્રાઈમ 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધ્યો છે. આ એજન્ટો કલોલ અને વલસાડ તેમજ દુબઈ, મુંબઇ અને દિલ્હીથી ઓપરેટ કરે છે. આ એજન્ટોની ઓળખ થતાં સીઆઇડી ક્રાઈમની ટીમ ટૂંક સમયમાં તેમની ધરપકડ કરશે. ત્યારે આ મામલે પ્રેસ-કોન્ફરન્સમાં CID ક્રાઈમના ADGP રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2023 પહેલાં ત્રણ ટ્રિપ કરાઈ હતી. તેમના ગયેલા લોકોના પૂરતા એવિડન્સ તેમજ જે એજન્ટો દ્વારા મોકલવામાં આવ્યા હતા તેમના એવિડન્સ પણ અમારી પાસે આવી ગયા છે. ત્યારે દિલ્હીના એજન્ટ દ્વારા ફ્લાઈટ બુકિંગ કરવામાં આવી હતી. જોકે, એજન્ટની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં તમામ હકીકત સામે આવશે. જોકે, આશ્રય લેવામાં ગુજરાતી હોવાની માહિતી નથી તેમ પણ જણાવ્યું હતું.

ભારતમાંથી દુબઇના ટુરિસ્ટ વિઝા અપાવી દુબઇના અબુધાબી મોકલી ત્યાંથી FUJAIRAH ઇન્ટરનેશનલ એરપોર્ટથી MANAGUA-નિકારાગુવા અને નિકારાગુવાથી મેક્સિકો અને મેક્સિકોથી અમેરિકા બોર્ડર ક્રોસ કરાવી આપવાની વાત કરી હતી. જો અમેરિકાની સુરક્ષા એજન્સીઓના હાથે બોર્ડર ઉપર પકડાઈ જાઓ તો પંજાબી પેસેન્જરને ખાલીસ્તાની છીએ તેવું કહેવા અને ગુજરાતી પેસેન્જર છે તો એજન્ટો અલગ અલગ સ્ટોરી કહીં તે મુજબ જણાવી ASYLUM (રાજ્યાશ્રય) લેવાનું જણાવ્યું હતું. જો પકડાય નહીં તો ગેરકાયદેસર રીતે અમેરિકા જતા રહેવાનો પ્લાન એજન્ટોએ જણાવી તેમની ઉપર પણ મુખ્ય એજન્ટ કે જે દિલ્હી, દુબઇ, નિકારાગોવા, મેક્સિકો, અમેરિકા છે તેમની સૂચના મુજબ અને તેમના પ્લાન મુજબ અમેરિકા પહોંચ્યા પછી 60 લાખથી 80 લાખ મુસાફર દીઠ આપવાની હકીકત તપાસ દરમિયાન સામે આવી હતી.

તપાસ દરમિયાન સીઆઇડી ક્રાઇમને એવી માહિતી મળી હતી કે, ગુજરાત તથા દિલ્હી તથા દુબાઈના એજન્ટોએ મુસાફરો પાસેથી આર્થિક લાભ મેળવવાના આશયથી અમેરિકા સ્થિત ભારતીય વેપારીઓના ધંધાના સ્થળે સસ્તા મજુરોની ગોઠવણ કરી આપી હતી. આર્થિક લાભ થાય તેવા આશયથી એકબીજા સાથે મેળાપીપણું કરી સાહેદો/મુસાફરોને જુદા જુદા પ્રકારની લાભ/લાલચ/પ્રલોભન આપી/ અપાવી સાહેદોને ગેરકાયદેસર રીત અમેરિકા પહોંચાડવા ઉપરોકત તમામ એજન્ટો સાથે મુખ્ય એજન્ટ કે જે દિલ્હી, દુબઇ, નિકારગુવા, મેક્સિકો તથા અમેરિકા ખાતેના મુખ્ય એજન્ટે ભેગામળી કરોડો રૂપિયાનો આર્થિક લાભ મેળવવાના આશયથી એક સુવ્યવસ્થિત કાવતરું રચ્યું હતું. 

કાવતરાને પાર પાડવા ગુજરાતના એજન્ટોની મદદ લીધી હતી. એકબીજા સાથે મેળાપીપણું કરી સાહેદો પાસેથી મોટી રકમ લઇ અમેરિકામાં પોતાની લાયકાત મુજબ યોગ્ય નોકરી/ધંધો/રોજગાર અપાવવાની લાલચો આપી કપટ પૂર્વક લોભ, લાલચ આપી/ અપાવી કુલ 66 સાહેદ/ મુસાફરોમાં અમુક મુસાફરો કે જેમાં નાના બાળકો/ સ્ત્રીઓ હતા. શિયાળાની ઋતુમાં મેક્સિકો તથા અમેરિકામાં પ્રતિકૂળ હવામાન હોવાથી ખુબજ બરફ-ઠંડી પડતી હોવાથી ત્યાં ચાલીને અમેરિકા બોર્ડર ક્રોસ કરવી જાનનું જોખમ હોય તેવું આ તમામ એજન્ટો જાણતા હતા તેમ છતાં તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકીને પોતાને આર્થિક લાભ મેળવવાના આશયથી સગીર સાથે સાહેદોની/વ્યક્તિઓની હેરાફેરી કરી હોવાની વિગત જણાવી આવી હતી. કુલ 14 આરોપી સામે સીઆઇડી ક્રાઈમે IPC કલમ 370, 201 અને 120 (બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

કબૂતરબાજીમાં સંડોવાયેલા એજન્ટોમાં ગુજરાતના કલોલ અને વલસાડ ઉપરાંત મુંબઈ, દિલ્હી અને દુબઈના એજન્ટોનો પણ સમાવેશ થાય છે. આ તમામે અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માગતા લોકો પાસેથી મોટી રકમ પડાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વ્યક્તિ દીઠ 60થી 65 લાખ લેવામાં આવ્યા હતા. સીઆઈડી ક્રાઈમ હવે આ લેણ દેણનું પગેરું પણ શોધશે. પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે, પૂછપરછમાં શરૂઆતમાં માહિતી મળી ન હતી. જો કે, પોલીસને એવું જાણવા મળ્યું હતું કે, અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવા માટે એજન્ટોએ જે પૈસા લીધા હતા તે પાછા આપી દેવાની ઓફર કરી હતી. બદલામાં આ લોકોને પોલીસ સમક્ષ મોં નહીં ખોલવાની શરત મૂકવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમની ટીમે કરેલી તપાસમાં 14 એજન્ટોના નામ સામે આવ્યા હતા, જે એજન્ટો માટે કામ કરતા સબ એજન્ટો અમેરિકામાં રહેતા હતા. જેથી સબ એજન્ટોની મદદથી આ તમામ એજન્ટો કબૂતરબાજીનું રેકેટ ચલાવતા હતા. ત્યાં હાજર એજન્ટો અમેરિકામાં સ્થાયી કરી આપવાનું કામ કરતા હતા.

 

આ loko સામે ગુનો નોંધાયો

1. ચંદ્રેશ પટેલ 2. સંદીપ પટેલ 3. પીયૂષ બારોટ (ત્રણેય રહે. કલોલ), 4 જયેશ પટેલ (વલસાડ), 5. જગ્ગી પાજી, 6. કિરણ પટેલ, 7. રાજુભાઈ (મુંબઈ) 8. જોગીન્દર સિંઘ માનસિંહ (દિલ્હી), 9 સલીમ (દુબઈ), 10. શેમ પાજી, 11. ભાર્ગવ દરજી, 12. રાજુ (મુંબઈ), 13. અર્પિત ઉર્ફે માઈકલ ઝાલા, 14. રાજા ભાઈ (મુંબઈ)