દુર્ઘટના@ઉત્તરાયણ: પતંગની દોરીથી ઈજાગ્રસ્ત 140 પક્ષીમાંથી 14નાં મોત, એક યુવકનું દોરીથી ગળુ કપાતા મોત

 
Uttrayan

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર દેશમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો દ્વારા પતંગ ચગાવવામાં આવી હતી. વડોદરા શહેરમાં સવારથી સાંજ સુધીમાં દોરીથી 10 વ્યક્તિ અને 140 પક્ષીઓ ઘવાયા હતા. જેમાં 20 વર્ષીય યુવકનું દોરીથી ગળુ કપાતા મોત નીપજ્યું હતું. તો 14 અબોલ પક્ષીને બચાવવામાં નિષ્ફળતા મળી હતી. વાત કરીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન ઈમરજન્સીના 49 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં 37 લોકોને પતંગની દોરીના કારણે સામાન્ય ઈજા પહોંચી હતી તો 9 જેટલા લોકો ધાબા પરથી નીચે પટકાયા હતા. અમદાવાદમાં પતંગની દોરીના કારણે 70થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેની સારવાર હાલ ચાલી રહી છે. આજના દિવસ દરમિયાન સારવાર હેઠળના 5થી વધુ ઈજાગ્રસ્ત પક્ષીના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર છે.

વડોદરા શહેરમાં સવારથી સાંજ સુધીમાં દોરીથી 10 વ્યક્તિ ઘવાયા હતા. જેમાં દોરીથી ઘાયલ થયેલમાં 5 બાળકોનો સમાવેશ થાય છે. 10 પૈકી 5 બાળકોને ગળા અને કાનનાં ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ તમામ લોકોને રસ્તા પરથી પસાર થતી વખતે દોરીએ ઇજા પહોંચાડી હતી. પરિવાર ચોકડી પાસેથી બાઇક પર પસાર થતા 20 વર્ષીય યુવકના ગળામાં ચાઇનીઝ દોરી આવતા ગળું કપાઈ ગયું હતું. જેને 108 મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ યુવકનું નામ અંકિત વસાવા હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઇ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. યુવકના મૃતદેહને પોલીસે કબજે લઇ પોસ્ટમોર્ટમ અર્થે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેર જિલ્લામાં 10થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે વડોદરા શહેરમાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા દિવસભર કામગીરી કરવામાં આવી હતી. જેમાં 140 જેટલા અબોલા પક્ષીની સારવાર આપવામાં આવી હતી. જેમાંથી 126 પક્ષીનો જીવ બચાવ્યો હતો. સાથે પતંગની દોરીથી ગંભીર રીતે ઘાયલ 14 પક્ષીનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. કરૂણા અભિયાનમાં 10 સેન્ટરો પર પક્ષીઓની સારવાર કરાઈ હતી, જેમાં 58 સંસ્થાનાં 900 વોલિયન્ટર જોડાયા હતા. વાઇલ્ડ લાઇફ રેક્સ્યૂ ટ્રસ્ટ દ્વારા શહેરમાં 5 પ્રાથમિક સારવાર કેન્દ્રો કાર્યરત કરી મહત્વની કામગીરી કરી હતી.

અમદાવાદ સિવિલમાં ઉત્તરાયણના દિવસે ઇજા પામવાને કારણે 49 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 45 લોકોને તાત્કાલિક સારવાર આપીને રજા આપવામાં આવી હતી, પરંતુ 4 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાના કારણે સિવિલ ખાતે વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આજના દિવસે સિવિલમાં આવેલા 37 લોકોને પતંગની દોરીને લીધે સામાન્ય ઇજાઓ અંગે સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત 9 લોકોને ધાબા પરથી પડી જવાને કારણે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તે સિવાય 3 લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તદુપરાંત મળતી માહિતી અનુસાર 49 દર્દીઓમાંથી કોઈપણ વ્યક્તિને વેન્ટિલેટરની પણ જરૂર પડી નથી.