દુ:ખદ@મોરબી: ઝૂલતો પુલ તૂટતાં 141 લોકોએ જીવ ગુમાવ્યો, હજુપણ અનેક લોકો ગાયબ

અટલ સમાચાર, ડેસ્ક
મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા. જેમાં 30થી વધુ બાળકો સહિત 141 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. હજુપણ અનેક લોકો ગાયબ છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્મ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે.
મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, પુલનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.. તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવતા આ ઘટના બન્યા બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા 500 જેટલા લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનાને પગલે તુરુંત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ હોનારતમાં સઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસે ખોટા ઇરાદા સાથે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કલમ 304, 308, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝૂલના પુલના મેનેજમેન્ટના મેનેજર, મેઇન્ટનેસ ટીમના મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે.