વિધાનસભા@ગુજરાત: રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ કસ્ટડી અને જેલમાં 173નાં મોત

 
Jail death

અટલ સમાચાર, ડેસ્કગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જેલ અને પોલીસ કસ્ટડીમાં કુલ 173 આરોપીઓના મોત થયાં છે, જેના માટે જવાબદાર પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ, ફરજ પર મોકુફી સહિતની વિવિધ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી થઈ છે.વિધાનસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું છે કે 2022માં જેલ કસ્ટડીમાં 75 અને પોલીસ કસ્ટડીમાં 14નાં મોત થયાં છે, જ્યારે 2023માં જેલ કસ્ટડીમાં 70 અને પોલીસ કસ્ટડીમાં 14નાં મોત થયાં છે.

કસ્ટોડિયલ ડેથ માટે લેવાયેલા પગલાંની માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે જવાબદારો સામે ખાતાકીય તપાસ, ફરજ મોફુકી, રોકડ રકમ દંડની શિક્ષા, રીપ્રિમાન્ડની શિક્ષા, ઈજાફો અટકાવવાની અને બદલીની શિક્ષા સહિત નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારોને વળતર આપવાના પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અથવા ગુજરાતમાનવ અધિકાર આયોગ અથવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવે ત્યારે કસ્ટોડીયલ ડેથના કિસ્સામાં વળતર ચૂકવવામાં આવે છે. પરંતુ બે વર્ષના આ કેસોમાં કોઈપણ આયોગ કે કોર્ટના વળતરને ચૂકવણીના હુકમો થયા નથી.