બ્રેકિંગ@નર્મદા: ટીડીઓ, હિસાબી, તલાટી, સરપંચ સહિત 19 લોકો વિરુદ્ધ એક જ દિવસમાં 2 ફરિયાદ

 
Talati

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક કર્મચારી અને સરપંચ આલમમાં ફફડાટનુ વાતાવરણ ઉભું થયું હતું. એક જ દિવસમાં 2 મોટી ફરિયાદ દાખલ થતાં અનેકના સંપર્ક ગાયબ થઈ ગયા છે. નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીએ કુલ 2 તાલુકાના ટીડીઓ સાથેના કર્મચારીઓ અને સરપંચ સહિત 19 લોકો વિરુદ્ધ ગુનો નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. સ્વચ્છ ભારત મિશન હેઠળની ગ્રાન્ટમાં એકબીજાના મેળાપીપણામાં કૌભાંડ અને ભ્રષ્ટાચાર આચરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાની પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઇ છે. ગરૂડેશ્વર સાથે તિલકવાડા તાલુકામાં શોકપીટ બનાવવામાં ગેરરીતિ મળી આવતાં ફરિયાદ નોંધવામાં આવી છે. એક જ દિવસમાં બે પોલીસ સ્ટેશને અલગ અલગ ફરિયાદ દાખલ થતાં વહીવટી અને રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. તિલકવાડા તાલુકામાં તો ટીડીઓ સાથે મદદનીશ ટીડીઓ પણ આરોપી બનતાં ચોંકાવનારી સ્થિતિ બની છે.

Talati

ગરૂડેશ્વર તાલુકા બાદ તિલકવાડા તાલુકામાં પણ શોકપીટની કામગીરી મામલે ગેરરીતિ થઈ હોવાનો તપાસ રિપોર્ટ આવ્યો હતો. તિલકવાડા તાલુકાના આમલીયા અને હિંમતપુરા ગામે માર્ચ 2022થી જાન્યુઆરી 2023 દરમ્યાન સ્વચ્છ ભારત મિશન હેઠળ થયેલ સામૂહિક શોષકુવા નિયત અંદાજપત્ર અને ડીઝાઇન મુજબ બનાવવામાં આવ્યા નહોતા. અનેક શોકપીટમાં ખોટા બિલો અને ખોટા પ્રમાણપત્રો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ બતાવી ટીડીઓ, મદદનીશ ટીડીઓ, એન્જિનિયર, કો- ઓર્ડિનેટર, તલાટી, સરપંચ,એકાઉન્ટન્ટ સહિતનાએ એકબીજા સાથે સાંઠગાંઠ રચી સરકાર સામે વિશ્વાસઘાત કરી 3લાખ 92 હજારની નાણાંકીય ગેરરીતિ આચરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

Talati

સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું કે જ્યારે કેટલાક દિવસો અગાઉ ગાંધીનગરથી એક ટીમ શોકપીટના કામો જોવા આવી હતી. આ દરમ્યાન અનેક ગામોમાં મુલાકાત કરતાં 2 ગામોમાં શંકાસ્પદ જણાતાં ઉંડાણપૂર્વકની તપાસ કરાઇ હતી. જેમાં નર્મદા જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સીએ તપાસ રિપોર્ટ આધારે ગેરરીતિ થઈ હોવાની ખાત્રી કરી હતી. તપાસ રિપોર્ટ મુજબ યોજનાની અમલવારી સાથે જોડાયેલા અધિકારી, કર્મચારી અને પદાધિકારીને જવાબદાર ગણી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જીગ્નેશ જાદવે તિલકવાડા પોલીસ સ્ટેશને કુલ 9 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. આથી તિલકવાડા પોલીસે 406,409,465,466,467,471,477એ અને 120બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.