બ્રેકિંગ@હવામાન: ગુજરાતમાં 2 દિવસ હીટવેવની આગાહી, ઉ.ગુ.માં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી રહેશે

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં ગરમી અને ઠંડી બંનેનો અનુભવ થઇ રહ્યો છે. ગરમી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે પૂર્વથી દક્ષિણ પૂર્વના ગરમ પવનો અને એન્ટિ સાયક્લોનિકની અસરથી ગરમીએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદનાં ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો છે. જેના કારણે ફેબ્રુઆરી મહિનાથી જ લોકો ગરમીથી તોબા પોકારી ગયા છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત પહેલા ગરમીએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ફેબ્રુઆરીમાં પહેલીવાર ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેથી આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે.
અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં રવિવારે 0.5 ડિગ્રી અને સામાન્ય કરતાં 7.4 ડિગ્રી વધીને 38.2 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. જેના કારણે 50 વર્ષમાં પ્રથમવાર ફેબ્રુઆરી મહિનાનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. શહેરમાં સવારે 8.30 કલાકે ભેજનું પ્રમાણ 69 ટકા નોંધાયું હતું પણ ગરમ પવનોની અસરથી બપોર પછી ગરમીનો પારો વધતાં ભેજનું પ્રમાણ સાંજે 5.30 કલાકે ઘટીને 22 ટકાએ પહોંચ્યું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હિટવેવની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં મધ્ય અને લોઅર લેવલ પર એન્ટિ સાયક્લોનિક સરક્યુલેશન રચાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે. 24 કલાક તાપમાન યથાવત રહેશે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી આસપાસ રહેશે. 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરાવમાં આવી છે.