દુર્ઘટના@સુરત: ડીંડોલીમાં બાંધકામ સાઇટના 14માં માળેથી નીચે પટકાતા 2 શ્રમિકો મોતને ભેટ્યા
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના ડીંડોલી સ્થિત ડી-માર્ટ પાછળ આવેલ માધવ ક્રેસ્ટની નિર્માણાધીન બાંધકામ સાઇટ પર આજ રોજ સ્લેબનું કામ ચાલી રહ્યું હતું. 14માં માળે સ્લેબની કામગીરી દરમ્યાન બે શ્રમિકો નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને શ્રમિકોને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ અન્ય શ્રમિકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણકારી મળતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સ્લેબની કામગીરી કરતી વખતે આ ઘટના બની હતી. બિલ્ડર દ્વારા સેફટી નેટ લગાડવામાં આવી હતી. છતાં સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. હાલ જરૂરી પુરાવાઓ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પુરાવાના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મહત્ત્વનું છે કે બિલ્ડર અને કોન્ટ્રાકટર દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે બાબત તપાસનો વિષય બની રહે છે. પોલીસ આ ઘટનામાં કઈ દિશામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી મૃતકોના પરિવારને ન્યાય અપાવે છે તે જોવાનું રહેશે.